


પાટણ, 04 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેર સહિત સમગ્ર તાલુકામાં હોળી અને ધૂળેટીનો પર્વ પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. શહેરના પથ્થરપોળ વિસ્તારમાં સદાબહાર ગ્રુપ દ્વારા વિશેષ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ રંગોના પર્વમાં તરબતર બન્યા હતા.
આ રંગોત્સવમાં પર્યાવરણ અને આરોગ્યને પ્રાધાન્ય આપી ઓર્ગેનિક અબીલ-ગુલાલ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીજેના તાલે યુવક-યુવતીઓ તેમજ સ્થાનિક રહીશો રંગબેરંગી ગુલાલ સાથે નાચતા-ગાતા નજરે પડ્યા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌએ ભારે ઉત્સાહ સાથે પર્વની ઉજવણી કરી હતી.
સામાજિક એકતા અને પરંપરાગત મૂલ્યો જાળવવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત તમામ લોકો માટે અલ્પાહાર અને ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી. ગ્રુપના સભ્યોએ એકબીજા પર અબીલ-ગુલાલ છાંટી શુભકામનાઓ પાઠવી અને સહકારથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ