
પાટણ, 04 માર્ચ (હિ.સ.)ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે શ્રી પદ્મનાભ મંદિર પરિસર, શ્રી સમેળા માતાજી મંદિર અને શ્રી ચામુંડા માતાજી મંદિર ખાતે ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ ઉજવાયેલા આ ઉત્સવોમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સવારે 6:00 કલાકે પક્ષાલન વિધિ સાથે કાર્યક્રમોની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 7:00 કલાકે મહાઆરતી અને 8:00 કલાકે મંદિરના શિખર પર ધ્વજાદંડ ચડાવવાની વિધિ સંપન્ન થઈ હતી. આ સાથે શ્રી પદ્મનાભ ભગવાન વાડી પરિસરમાં તિલક હોળીનો ઉત્સવ પણ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો.
આ ધાર્મિક પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત ટ્રસ્ટીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ચામુંડા મંડળના ધવલભાઈ ઓતિયા, મહેશભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ પ્રજાપતિ સહિત અનેક આગેવાનો અને ભક્તોએ હાજરી આપી પ્રસંગને શોભાવ્યો હતો.
પ્રસંગ દરમિયાન પીપીએલ ગ્રુપ દ્વારા મંદિર પરિસરના આંબલીના વૃક્ષની સુરક્ષા માટે બનાવેલા ઓટલાના દાતા તરીકે રૂ. 11,000નો ચેક ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીને અર્પણ કરવામાં આવ્યો હતો. અંતે સર્વે ભક્તોએ પરિવારના સુખ, સમૃદ્ધિ અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી શ્રી પદ્મનાભ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ