
ગાંધીનગર, 04 માર્ચ (હિ.સ.) : આવતા વર્ષે ફરી શરણાઈઓના સુર અને ઢોલ-નગારાના અવાજ સાથે ભેખડોની એકલતા દૂર કરવાના વચન સાથે ગાંધીનગરના વસંતોત્સવની પૂર્ણાહુતિ થઈ. 16 રાજ્યો, 500 કલાકારો અને એક મંચ પર ભારતની અસ્મિતાનો આ ઉત્સવ સંપન્ન થયો. સંસ્કૃતિ કુંજમાં 'મિનિ ભારત'ના દર્શન સાથે સાંસ્કૃતિક વિરાસત અને સ્વદેશીનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.
ગાંધીનગરના સાબરમતી નદીના કિનારે આવેલી કોતરો, જે આખું વર્ષ શાંત અને મૌન રહે છે, તે વસંતના આગમન સાથે જ જાણે હસતા ફૂલોની જેમ ખીલી ઊઠી હતી. સામાન્ય દિવસોમાં સૂમસાન લાગતી આ ભેખડો ‘વસંતોત્સવ’ના આયોજનથી જીવંત બની ગઈ હતી. એક સાવ સામાન્ય નદીકાંઠો કઈ રીતે ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ અને લોકમેળામાં પરિવર્તિત થઈ શકે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ વર્ષે પણ ગાંધીનગરના ‘વસંતોત્સવ’માં જોવા મળ્યું.
સાંસ્કૃતિક અસ્મિતાનો ત્રિવેણી સંગમ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની ‘કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી’ તથા ‘પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર, ઉદયપુર’ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આ રંગારંગ મહોત્સવ યોજાયો હતો. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુવા અને રમતગમત વિભાગ દ્વારા તૈયાર કરાયેલ વિશેષ કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
'હર ઘર સ્વદેશી'નો મંત્ર
આ વર્ષે વસંતોત્સવમાં કુલ ૨૯૦ સ્ટોલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં હસ્તકલા (ક્રાફ્ટ)ના ૨૩૦ સ્ટોલ પર ‘હર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત હાથવણાટની અવનવી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. ફૂડ સ્ટોલની વાત કરવામાં આવે તો ૬૦ સ્ટોલ પર વિસરાતી જતી સ્વદેશી વાનગીઓ પીરસવામાં આવી હતી, જેણે મુલાકાતીઓમાં સ્વદેશીપણાનો ભાવ જગાડ્યો હતો.
એક મંચ પર ‘મિનિ ભારત’ના દર્શન
આ મહોત્સવમાં ભારતભરના ૧૬ જેટલા કલા વૃંદો દ્વારા વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ૫૦૦થી વધુ કલાકારોએ પોતાની કલાના રંગો બિખેર્યા હતા.
જેમાં ગુજરાતના ભાતીગળ ગરબા, ડાકલા, રાઠવા આદિવાસી નૃત્ય અને સિદ્દી ધમાલ,ઉત્તર ભારતના હરિયાણાનો ‘ફાગ’, પંજાબના ‘ભાંગડા’, યુપીનું ‘મયુર નૃત્ય’ અને જમ્મુ-કશ્મીરનું ‘રૌફ’,પૂર્વીય ભારતથી પશ્ચિમ બંગાળનું ‘પુરલીયા છાઉ’, અસમનું ‘બિહુ’ અને મણિપુરનું ‘થાંગ-ટા’ તથા ‘પુંગ ઢોલ ચોલમ’તથા મહારાષ્ટ્રની ‘લાવણી’, રાજસ્થાનની ‘ભવાઈ’ અને છત્તીસગઢનું ‘પાંડવાની ગાયન’આ મંચ પર રજૂ કરવામાં આવ્યા હતાં.
સંગીતની સુરાવલીઓ અને ખ્યાતનામ કલાકારો
વસંતોત્સવની પ્રત્યેક સાંજ ગુજરાતી સંગીત અને ગરબાની રમઝટથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે ‘ભલા મોરી રામા’ ફેમ અરવિંદ વેગડાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ ઋષભ આહીર, ધ્રુવમ ત્રિવેદી, રાગ પટેલ, માલદે આહીર, હિમાંશુ ચૌહાણ, નંદલાલ યાંગા, વિમલ મહેતા, રવિ મારું અને રાજેશ આહીર જેવા નામી કલાકારોએ પોતાની પ્રસ્તુતિ આપી હતી. ઉત્સવના અંતિમ દિવસે ‘અહેસાસ બેન્ડ’ અને ‘વાલમ બેન્ડ’ દ્વારા સંગીતની ધૂમ મચાવવામાં આવી હતી.
સરિતા ઉદ્યાન પાસે આવેલ સંસ્કૃતિ કુંજ ખાતે દર વર્ષે વસંતના આગમન સાથે યોજાતો આ દસ દિવસીય મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા, આપણી સમૃદ્ધ હસ્તકલા અને લોકકલાને જીવંત રાખવાનો એક સરાહનીય પ્રયાસ સાબિત થયો. આ આયોજન દ્વારા ‘વિવિધતામાં એકતા’ ધરાવતી ભારતીય સંસ્કૃતિના દર્શન ગાંધીનગરના આંગણે થયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ