
મહેસાણા, 04 માર્ચ (હિ.સ.) મહેસાણા લોકસભાના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટીના નેતા હરિભાઈ પટેલે હોળી-ધુળેટીના પાવન અવસરે કાર્યકરો, યુવાનો અને સ્થાનિક નાગરિકો સાથે ઉત્સાહભેર ધુળેટી ઉજવી હતી. શહેરના ડી માર્ટ સર્કલ નજીક યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સાંસદ હરિભાઈ પટેલે સૌને રંગ લગાવીને પર્વની શુભેચ્છાઓ પાઠવી અને હાસ્ય-ઉલ્લાસ વચ્ચે રંગોત્સવની મજા માણી. યુવાનો સાથે રંગ રમતા તેઓએ પર્વની ભાવનાને વધુ પ્રેરક બનાવી હતી. સમગ્ર વાતાવરણ રંગબેરંગી ગુલાલ, સંગીત અને ખુશીના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
આ અવસરે હરિભાઈ પટેલે જણાવ્યું કે રંગોનો તહેવાર એકતા, ભાઈચારો અને આનંદનો સંદેશ આપે છે. આવા પ્રસંગો સમાજમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે અને લોકો વચ્ચે સૌહાર્દ વધારે છે.
કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક કાર્યકરો, યુવા મોરચાના સભ્યો અને અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીએ મહેસાણા શહેરમાં હોળી-ધુળેટીની રોનક વધારી અને પર્વની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR