
બોટાદ, 10 એપ્રિલ (હિ.સ.)બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલ નાના ઝીંઝાવદર ગામેથી એસ.ઓ.જી પોલીસે બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર કુમારભાઈ નામનો આ વ્યક્તિ કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હતો અને લાંબા સમયથી ગામના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી ટીમે ગામમાં રેડ કરીને આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી વિવિધ પ્રકારની દવાઓ, સિરિન્જ તથા અન્ય મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ. ૪૩ હજાર જેટલો મેડિકલ સામાન જપ્ત કર્યો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી પોતાને ડોક્ટર તરીકે ઓળખાવી ગામલોકોને સારવાર આપતો હતો અને તેની પાસે કોઈપણ પ્રમાણિત ડિગ્રી કે લાયસન્સ નહોતું. આવા બોગસ ડોક્ટર દ્વારા કરવામાં આવતી સારવાર લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમરૂપ બની શકે છે.પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે અને આવા બોગસ ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવા માટે તૈયારી દર્શાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT