16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિતને પ્રોબેશનનો લાભ
પાટણ, 10 એપ્રિલ (હિ.સ.) પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટએ ચાણસ્મા તાલુકાના મણીયારી ગામની દૂધ મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ નારણદાસ પટેલને 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 408 હેઠળ છ માસન
16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિતને પ્રોબેશનનો લાભ


પાટણ, 10 એપ્રિલ (હિ.સ.) પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટએ ચાણસ્મા તાલુકાના મણીયારી ગામની દૂધ મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ નારણદાસ પટેલને 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતાની કલમ 408 હેઠળ છ માસની સાદી કેદ અને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો.

આ કેસ વર્ષ 2009-2010 દરમિયાન કુલ રૂ. 2,50,871.42ની ઉચાપત સંબંધિત હતો. આરોપી દ્વારા મંડળીના ગ્રાહકોના નાણાંનો દુરુપયોગ કરીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું સાબિત થયું હતું.

જો કે, કોર્ટે આરોપીને જેલમાં મોકલવાને બદલે પ્રોબેશનનો લાભ આપવાનો નિર્ણય કર્યો. ત્રણ મહિનાના સમયગાળા માટે રૂ. 7,500ના જામીન પર મુક્ત કરવાની સાથે સુધારાની તક આપવામાં આવી હતી.

કોર્ટે નોંધ્યું કે આરોપીએ ઉચાપત કરેલી રકમ પરત કરી દીધી છે અને તેની ઉંમર તથા શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રોબેશન યોગ્ય ગણાયું. લાંબા સમયથી કેસ ચાલતા હોવા છતાં, કાયદાનો હેતુ જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો.

પ્રોબેશન દરમિયાન આરોપીએ સુલેહ-શાંતિ જાળવવી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું અને કોર્ટની પરવાનગી વિના રહેઠાણમાં ફેરફાર ન કરવો જેવી શરતોનું પાલન કરવાનું રહેશે. આ કેસમાં 16 વર્ષ બાદ અંતિમ ચુકાદો આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande