


અંબાજી, 09 એપ્રિલ (હિ.સ.) વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલે આજે શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તાજેતરમાં જ જાણીતી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કંપની એસોટીસી (SOTC) દ્વારા તેમને 'દર્શન' નામના સ્પેશિયલ ટેમ્પલ ટુરીઝમ સેગમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી મળતાની સાથે જ તેઓ મા અંબાના શરણે પહોંચ્યા હતા.
અનુરાધા પૌડવાલ માતાજીમાં અટૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેમણે જણાવ્યું હતું કે, માતાજીના આશીર્વાદ હંમેશા તેમના પર ગુરુના રૂપમાં રહ્યા છે. તેઓ વર્ષમાં બે થી ત્રણ વખત અચૂકપણે અંબાજી દર્શન માટે આવે છે, જે તેમની આસ્થાનું પ્રતીક છે. અંબાજી ખાતે મીડિયા સાથેની વાતચીતમાં અનુરાધા પૌડવાલે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે કરવામાં આવતી ઉત્તમ સુવિધાઓના ભારોભાર વખાણ કર્યા હતા.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં સમગ્ર ભારતમાં ટેમ્પલ ટુરીઝમને વેગ આપવા માટે સરકાર જે રીતે પ્રયાસો કરી રહી છે તે પ્રશંસનીય છે. ટેમ્પલ ટુરીઝમ પર ખાસ ધ્યાન આપવામાં આવતા ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ભવિષ્યમાં મોટા ફેરફારો જોવા મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.સાથે અંબાજીના કરોડો રૂપિયા ને થનારા રે ડેવલપિંગ બાબતે પણ અંબાજી મંદિર ટ્રસ્ટના જે કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદી પાસેથી મંદિર અંગેની વિશેષ માહિતી મેળવી હતી
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ