પ્રેમી સાથે રહેવાની જીદ પકડનાર યુવતીનું અભયમ ટીમે સફળ કાઉન્સેલિંગ કર્યું: 181 અભયમની સમજાવટ બાદ યુવતી સ્વગૃહે પરત ફરી
સુરત, 10 એપ્રિલ (હિ.સ.) મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનેલી 181 અભયમ મહિલા હેલ્પલાઇને વધુ એક કિસ્સામાં કુશળતાપૂર્વક મધ્યસ્થી કરી પારિવારિક વિખવાદ અટકાવ્યો છે. સુરત શહેરમાં પ્રેમી સાથે હોસ્પિટલમાં રહેવાની જીદ પર અડેલી એક યુવતીની
Surat


સુરત, 10 એપ્રિલ (હિ.સ.) મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનેલી 181 અભયમ મહિલા હેલ્પલાઇને વધુ એક કિસ્સામાં કુશળતાપૂર્વક મધ્યસ્થી કરી પારિવારિક વિખવાદ અટકાવ્યો છે. સુરત શહેરમાં પ્રેમી સાથે હોસ્પિટલમાં રહેવાની જીદ પર અડેલી એક યુવતીની અભયમની ટીમે મનોવૈજ્ઞાનિક ઢબે સમજાવટ કરી તેને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

ઘટનાની વિગતો મુજબ સુરતની એક યુવતી તેના પરિવારને જાણ કર્યા વગર હોસ્પિટલમાં દાખલ પોતાના પ્રેમીને મળવા પહોંચી ગઈ હતી. જ્યાં પ્રેમીને મળ્યા બાદ હોસ્પિટલમાં જ તેની સાથે રહેવાની જીદ પર અડી ગઈ હતી. આ બાબતે જાણ થતાં જ યુવતીના મોટા બહેન તેને લેવા હોસ્પિટલ દોડી આવ્યા હતા, પરંતુ યુવતીએ પરિવાર સાથે સંબંધ કાપી નાખવાનું જણાવી ઘરે પરત ફરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતી જોઈ મોટા બહેને તાત્કાલિક 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી.

અભયમની ટીમે હોસ્પિટલ પહોંચીને યુવતી સાથે શાંતિપૂર્ણ સંવાદ કરી યુવતીને સામાજિક મર્યાદાઓ, પરિવારની ચિંતા અને ભવિષ્યના કાયદાકીય પાસાઓ વિશે સમજાવી હતી. અભયમની આ અસરકારક કાઉન્સેલિંગના અંતે યુવતીને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે જીદ છોડી પરિવાર સાથે ઘરે જવા સંમતિ દર્શાવી હતી.

યુવતીએ આ તકે ખાતરી આપી હતી કે હવે પછી તે પરિવારની જાણ બહાર અવિચારી પગલું નહીં ભરે. યુવતીના પરિવારે અભયમની ત્વરિત કામગીરી અને સંવેદનશીલતા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande