
ગાંધીનગર,10 એપ્રિલ (હિ.સ.) પાલિકા અને પંચાયતની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ 11 એપ્રિલ હોવા છતાં મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત હજુ પૂર્ણ થઈ નથી, જેના કારણે અંતિમ ક્ષણ સુધી સસ્પેન્સ યથાવત છે.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ બંને પક્ષોના મળીને અંદાજે 17 હજારથી વધુ ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી હોવાનું જાણવા મળે છે. આ પરિસ્થિતિમાં ભાજપ દ્વારા આજે ફરી પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે સાંજ સુધીમાં બાકી રહેલા તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.
આજે ભાજપે અમદાવાદ, પાટણ અને નર્મદા જિલ્લાઓમાં પાલિકા અને પંચાયત માટે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. ખાસ કરીને ગાંધીનગર જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી પણ બહાર પાડવામાં આવી છે, જેમાં અનેક બેઠકો માટે ઉમેદવારોના નામોને અંતિમ મંજૂરી આપવામાં આવી છે .
રાજકીય રીતે સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો ભાજપના ઉમેદવારોમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો રહ્યો છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને લઈને વિવાદ ઊભો કરનાર ભાજપે પોતાની બીજી યાદીમાં 23 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. તેમાં ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામ નગરપાલિકામાં 3, ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં 2, સિદ્ધપુરમાં 4, દહેગામમાં 3 તેમજ વિરમગામ અને ધંધુકા તાલુકા પંચાયત તેમજ સાણંદ તાલુકા પંચાયતમાં પણ એક-એક ઉમેદવારને તક આપવામાં આવી છે.
આ નિર્ણયને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે ભાજપે એક તરફ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા, તો બીજી તરફ પોતે પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપીને સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
હવે તમામની નજર આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે અને આજે સાંજ સુધીમાં આવનારી અંતિમ યાદી પર ટકેલી છે. ઉમેદવારોની સંપૂર્ણ જાહેરાત બાદ ચૂંટણીના રાજકારણમાં વધુ તેજી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ