
ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા રેલવે કોમ્યુનિટી હોલ, ભાવનગર ખાતે આજ રોજ તા. 10 એપ્રિલ 2026ના રોજ ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે “ડૉ. બી. આર. આંબેડકર : ભારતમાં સામાજિક ન્યાયના સ્થાપત્યકાર” વિષય પર નિબંધ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં ભાવનગર મંડળ રેલ પ્રબંધક કચેરીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના વિચારો દ્વારા ડૉ. આંબેડકરના સામાજિક ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સંબંધિત સિદ્ધાંતોને અસરકારક રીતે રજૂ કર્યા હતા. સ્પર્ધકો દ્વારા પોતાના લેખન મારફતે સમાજમાં સમરસતા અને ન્યાયની સ્થાપનામાં ડૉ. આંબેડકરના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્મા જીની પ્રેરણા તથા વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન જીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવશે. વિજેતાઓને આવનારી ડૉ. બી. આર. આંબેડકર જયંતિ ઉજવણી પ્રસંગે સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ ડૉ. આંબેડકરના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો તેમજ સામાજિક સમરસતા, સમાનતા અને ન્યાયને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ લીધો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ