
સુરત, 10 એપ્રિલ (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી મિલન પોઇન્ટ રોડ પર ખુલ્લામાં રાખવામાં આવેલા વેસ્ટ મટીરિયલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે ઝડપી પ્રસરતા વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
આગની તીવ્રતાને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસથી પસાર થતા લોકોને પણ ગભરાટ અનુભવાયો હતો. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા ભારે મહેનત કરી હતી અને અંદાજે દોઢ કલાકની કામગીરી બાદ આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી.
સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાના અહેવાલ નથી. હાલ ફાયર ટીમ દ્વારા કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ નથી, અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે