
અમરેલી, 10 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં હનીટ્રેપના ગંભીર કૌભાંડનો ભંડાફોડ થતા ચકચાર મચી ગઈ છે. થોડા દિવસ પહેલાં બનેલી આ ઘટનામાં એક મહિલા સહિત કુલ પાંચ લોકોએ મળીને યુવકને ફસાવવાનો કાવતરું રચ્યું હતું.
માહિતી અનુસાર, આરોપીઓએ યુવકને હિંડોરણા ગામે બાવળની કાટ વિસ્તારમાં લઈ જઈ મહિલા દ્વારા હનીટ્રેપ ગોઠવ્યો હતો. ત્યારબાદ અન્ય સાગરિતો ત્યાં આવી યુવકને ડરાવી-ધમકાવી મારપીટ કરી હતી. આરોપીઓએ યુવક સાથેનો અશ્લીલ વિડિયો બનાવી તેને બ્લેકમેઈલ કર્યો હતો. યુવક પાસેથી રૂ. 1950 રોકડ અને મોબાઈલ બળજબરીથી લઈ લેવાયા હતા અને બાદમાં રૂ. 5 લાખની વધુ માંગણી કરી યુવકને ઘરે પૈસા લેવા મોકલવામાં આવ્યો હતો.
પરંતુ સમજદારી દાખવી યુવક સીધો રાજુલા પોલીસ મથકે પહોંચ્યો અને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને હનીટ્રેપના કેસમાં એક મહિલા સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. મુખ્ય મહિલા આરોપી સમીના સેલોતની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કરણ પટાટ, જિતેન્દ્ર ચૌહાણ સહિતના આરોપીઓ પોલીસ કબજામાં છે. એક અન્ય અજાણ્યા આરોપીને પકડવા પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કેસ અંગે નયના ગોરડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ઘટનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રકારના ગુનાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને લોકોને સાવચેત રહેવાની જરૂર છે.
પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રકારના હનીટ્રેપનો ભોગ બન્યો હોય તો નિર્ભય બની રાજુલા પોલીસનો સંપર્ક કરે. હાલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે પ્રયત્નો તેજ કર્યા છે.
આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં સાવચેતી રાખવા માટે ચેતવણી આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai