
અમરેલી, 10 એપ્રિલ (હિ.સ.) : ભારત સરકારની પી.એસ.એસ. (પ્રાઈસ સપોર્ટ સ્કીમ) યોજના હેઠળ ખરીફ-2026 પાક માટે ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત અમરેલી ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ રાજ્ય કો-ઓપરેટિવ સોસાયટી લિ. દ્વારા ચલાવવામાં આવતા ખરીદી કેન્દ્રની મુલાકાત અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષ સંઘવી દ્વારા લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કેન્દ્ર પર ખેડૂતો માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ચણાની આવક, તોલ પ્રણાલી, સ્ટોરેજ વ્યવસ્થા અને ચુકવણી પ્રક્રિયા અંગે સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે કાર્યરત રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેરમેન મનીષ સંઘાણીએ જણાવ્યું હતું કે સરકારની આ યોજના ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે મહત્વપૂર્ણ છે અને ખેડૂતોને તેનો વધુમાં વધુ લાભ મળે તે માટે સંસ્થા પ્રતિબદ્ધ છે. તેમણે ખાતરી આપી કે ખરીદી પ્રક્રિયા પારદર્શક અને સરળ બનાવવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન ખેડૂતો સાથે પણ સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખેડૂતોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai