
ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે પીથલપુર રોડ પર આવેલા એક પ્લોટમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર થયાનું બહાર આવતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પ્લોટમાં શેરડીના પાક વચ્ચે છુપાવીને લીલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી કુલ 21 લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન અંદાજે 16 કિલો 640 ગ્રામ થયું હતું. આ જથ્થાની અંદાજિત કિંમત રૂા. 4.16 લાખ જેટલી ગણવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન એસઓજીએ પરશોતમ ડોડીયા નામના એક શખસની ધરપકડ કરી હતી. તેને ઝડપી લઈને દાઠા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની પુછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે તેને ગાંજો પીવાની ટેવ છે અને પોતાના ઉપયોગ માટે તેમજ સાધુ-સંતોને આપવા માટે તેણે પોતાના પ્લોટમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને ગેરકાયદેસર માદક પદાર્થોના વાવેતર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો સંદેશ આપ્યો છે.એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે સતત નજર રાખવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT