
સુરત, 10 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરને રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગળ વધારવા માટે મહાનગરપાલિકાએ બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી છે. કમિશનર એમ. નાગરાજનના માર્ગદર્શન હેઠળ આ યોજનાઓ નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં સામેલ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આપવાનો અને નાગરિકોને આધુનિક સાંસ્કૃતિક માળખું ઉપલબ્ધ કરાવવાનો છે.
જહાંગીરપુરા વિસ્તારમાં લગભગ 17,000 ચોરસ મીટર જમીન પર એક વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉભું કરવામાં આવશે. અહીં ઓલિમ્પિક ધોરણનો સ્વિમિંગ પૂલ સાથે શીખનારાઓ માટે અલગ લર્નિંગ પૂલ પણ રહેશે. ઉપરાંત ઇન્ડોર જિમ, બેડમિન્ટન અને ટેબલ ટેનિસ જેવી સુવિધાઓ સાથે પિકલબોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટ માટે ખાસ મેદાનો તૈયાર કરવામાં આવશે. મુલાકાતીઓ માટે કેફે અને સ્પોર્ટ્સ સામાનની દુકાન પણ ઉપલબ્ધ રહેશે.
વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક નજીક લગભગ 25,000 ચોરસ મીટરમાં રાજ્યનો પહેલો “સીનર્જી અરેના” વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1500 લોકો માટે આધુનિક ઓડિટોરિયમ અને 1200 લોકોની ક્ષમતા ધરાવતો કન્વેન્શન હોલ બનાવાશે. સાથે જ સામાજિક કાર્યક્રમો માટે બેન્ક્વેટ હોલ અને બહારથી આવતા મહેમાનો માટે હાઈ-એન્ડ હોટેલ રૂમ્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ બંને પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ અમલમાં મુકવામાં આવશે, જેથી ખર્ચનું ભારણ ઘટે અને ગુણવત્તાસભર સંચાલન સુનિશ્ચિત થાય. ડિઝાઇનમાં પાર્કિંગ, ફાયર સેફ્ટી અને દિવ્યાંગોને અનુકૂળ સુવિધાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અધિકારીઓને ટેન્ડર પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે, જેથી આ યોજનાઓ વહેલી તકે સાકાર થાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે