
જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર નજીકના વિસ્તારોમાં બનેલા બે જુદા માર્ગ અકસ્માતોમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાના બનાવો સામે આવ્યા છે. બંને બનાવોમાં પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે.
પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.07-04-2026ના રોજ સાંજે ધુંવાવ ગામે એસ.બી.આઈ તાલીમ સેન્ટર સામે રોડ પર અકસ્માત બન્યો હતો. ફરિયાદી વિશાલભાઈ કુરજીભાઈ પરમાર (ઉ.વ. 46) પોતાના બાઈક પર જતા હતા ત્યારે સામે તરફથી આવેલી જી.જે 37 જે 8521 નંબરની કારના ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદીને ડાબા પગમાં ફ્રેક્ચર તેમજ શરીરે ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
બીજા બનાવમાં પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેલા ગામ પાસે જામનગર-લાલપુર હાઇવે પર અકસ્માત બન્યો હતો. ફરિયાદી સંદીપભાઈ દિલીપભાઈ પરમારની માતા જયાબેન (ઉ.વ. 55) રોડ ક્રોસ કરતી વખતે જી.જે.10 ડી.જી. 4840 નંબરની કારના ચાલકે બેફામ રીતે ટક્કર મારી હતી. આ બનાવમાં મહિલાને પગમાં ફ્રેક્ચર તેમજ હાથ અને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ અંગે પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt