
- એક સમયે ડૉક્ટરોએ કહ્યું હતું કે, આર્થરાઇટિસને કારણે તે ચાલવામાં અસમર્થ બની જશે
વડોદરા,10 એપ્રિલ (હિ.સ.) વડોદરાની 54 વર્ષીય ઇન્દરજીત કૌર મન્નને એક સમયે ડૉક્ટરોએ કહ્યું હતું કે, તેમના આર્થરાઇટિસના કારણે તેઓ ભવિષ્યમાં ચાલવામાં અસમર્થ બની શકે છે. ઘણા લોકો માટે આવો નિદાન નિરાશાજનક અને મર્યાદિત લાગતો હોય છે. પરંતુ ઇન્દરજીતએ હાર માનવાને બદલે હિંમત અને દૃઢ સંકલ્પ સાથે આ પડકારનો સામનો
કરવાનો નિર્ણય કર્યો હતો. આર્થરાઇટિસના દુખાવો અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં, તેમણે સતત પ્રયત્ન અને સકારાત્મક વિચારસરણી દ્વારા પોતાની શક્તિ અને ચપળતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મુશ્કેલીઓને હરાવીને આજે તેઓ “સ્ક્વોટ ક્વીન” તરીકે જાણીતા બન્યા છે આટલુ જ નહીં આજે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે.
તેમનો આ સંકલ્પ ત્યારે સાકાર થયો જ્યારે તાજેતરમાં તેમણે 3000 થી વધુ સ્ક્વોટ્સ સફળતાપૂર્વક કર્યા, જેના થકી તેમણે પોતાના અંગેના અગાઉના અનુમાનને ખોટા સાબિત કરી સતત સંઘર્ષનું શક્તિશાળી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુંબઈમાં તેઓને આ બીમારી વિશે જાણ કરવામાં આવી હતી, અને એક સિંગલ માતા તરીકે બે બાળકો ઉછેરવું તેમના માટે મુશ્કેલ કાર્ય હતું. છતાં પણ, તેમણે ક્યારેય પોતાનો સંકલ્પ ગુમાવ્યો નહીં અને પોતાને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવાનો પડકાર સ્વીકાર્યો હતો.
તેમની કહાની લોકોને પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખવા માટે પ્રેરણા આપે છે અને બતાવે છે કે દૃઢતા, શિસ્ત અને સંકલ્પ સાથે કઠિનતમ અવરોધો પણ પાર કરી શકાય છે.
અંગ્રેજી વિષયમાં સ્નાતક ઇન્દરજીત કૌર મન્ન એક ઉત્સાહી ખેલાડી રહી ચૂકી છે અને રાષ્ટ્રીય સ્તરે કબડ્ડી પણ રમી ચૂકી છે.
તેમણે શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી, ત્યારબાદ મુંબઈમાં ટ્યુશન આપ્યું અને પછી વડોદરામાં સ્થાયી થયા બાદ પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું. છેલ્લા 10 વર્ષથી તેઓ ફ્રીલાન્સ ફિટનેસ કોચ અને જિમ ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત છે.
ઇન્દરજીત કૌર મન્ને જણાવ્યું હતું કે, 2006-માં મને આર્થરાઇટિસ હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ મે હિંમત ન હારતા શરીરને સક્રિય રાખવા માટે દોડવાનું શરૂ કર્યું હતું. 2017માં મેં સ્ક્વોટ્સ શરૂ કર્યા અને હવે મેં મારા અગાઉના રેકોર્ડને પણ પાર કરી દીધો છે. મેં રોજ વેઇટ ટ્રેનિંગ, કાર્ડિયો, કોર સ્ટ્રેન્થ તેમજ 200 લંજેસ અને 300 સ્ક્વોટ્સનો અભ્યાસ કરૂ છુ.
શરૂઆતમાં આર્થરાઇટિસ અને થાયરોઇડને કારણે થોડી ચિંતા હતી, પરંતુ મારે આવી રીતે જીવન પૂરું કરવું નહોતું. તેથી મેં દોડવું,
કાર્ડિયો અને સ્ક્વોટ્સ શરૂ કર્યા હતા જેનાથી શરીર ખાસ કરીને પગ મજબૂત બને છે. આજે મને મારા સમર્પણનું પરિણામ મળ્યું છે અને મારી પરિસ્થિતિ સુધરી ગઈ છે. હવે હું અન્ય લોકોને પણ પ્રેરણા આપી શકું છું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ