
ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર શહેરમાં માનવતાનો ઉત્તમ દાખલો પૂરું પાડતી એક પ્રેરણાદાયક ઘટના સામે આવી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા શાખા દ્વારા ૧૦૯૮મું દેહદાન સ્વીકારવામાં આવ્યું છે. ભાવનગર નિવાસી સ્વર્ગસ્થ રાજપુરા હિમતલાલ લલુભાઈ (ઉંમર ૮૯ વર્ષ)ના અવસાન બાદ તેમના પરિવારજનોએ તેમની અંતિમ ઇચ્છાનું માન રાખીને દેહદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું.
સદગત હિમતલાલભાઈએ જીવતા જ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, અને તેમના અવસાન પછી પરિવારજનોએ તે ઇચ્છાને સન્માન આપ્યું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચક્ષુદાન અને દેહદાન વિભાગ દ્વારા આ અનમોલ દેહદાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પાર્થિવ દેહને સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે તબીબી વિજ્ઞાનના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મહાવરા અને સંશોધન માટે મોકલવામાં આવ્યો હતો. આ પ્રકારના દેહદાનથી ભવિષ્યના ડોક્ટરોને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે આરોગ્ય ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા ચક્ષુદાન અને દેહદાન અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. રેડક્રોસ ભવન, દિવાનપરા રોડ, ભાવનગર ખાતે ૨૪ કલાક આ સેવાઓ ઉપલબ્ધ છે. મહત્વની વાત એ છે કે અગાઉથી સંકલ્પ પત્ર ભરેલ ન હોય તો પણ અવસાન સમયે રેડક્રોસનો સંપર્ક કરી દેહદાન અથવા ચક્ષુદાન કરી શકાય છે.
આ સેવાઓ માટે (૦૨૭૮) ૨૪૨૪૭૬૧, ૨૪૩૦૭૦૦ તથા મોબાઈલ નંબર ૯૪૨૯૪૦૬૨૦૨ પર સંપર્ક કરી શકાય છે. રેડક્રોસ દ્વારા દેહદાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરી તેમના આ માનવતાભર્યા નિર્ણયને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT