
વાપી , 10 એપ્રિલ (હિ.સ.) વાપી શહેરના વ્યસ્ત ચાર રસ્તા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભારે વાહનો પાર્ક થવાના કારણે ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સર્વિસ રોડની બંને બાજુ મોટા ટ્રકો પાર્ક થવાથી માર્ગ સંકુચિત બન્યો છે, જેના કારણે સામાન્ય વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પીક અવર્સ દરમિયાન અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, જેના કારણે ઓફિસ જનારાઓ અને સ્થાનિક લોકોમાં અકળામણ ફેલાઈ રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ઇમર્જન્સી વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે.
પદયાત્રીઓ માટે જોખમ વધ્યું છે, કારણ કે તેમને વાહનોની નજીકથી પસાર થવું પડે છે, જેના કારણે અકસ્માતની શક્યતાઓમાં વધારો થયો છે.
મહત્વની વાત એ છે કે, આવી સ્પષ્ટ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક સ્તરે કોઈ સત્તાવાર રજૂઆત ન થઈ હોવા છતાં, પ્રશ્ન ઊભો થાય છે કે જાહેર માર્ગ પર સર્જાતી આવી સમસ્યાઓ તંત્રને દેખાતી કેમ નથી?
શહેરના નાગરિકોમાં આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક પગલાં લેવામાં આવે, ભારે વાહનો માટે અલગ પાર્કિંગ ઝોન બનાવવામાં આવે અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ અને સુરક્ષિત બની રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha