વાપી મનપાની મોટી યોજના: ચલા વિસ્તારમાં હવે મળશે દિવસમાં બે વખત પાણી
વાપી, 10 એપ્રિલ (હિ.સ.) : વાપી મનપા વિસ્તારમાં ઉનાળાની ગરમી સાથે પાણીની સમસ્યાઓ ફરી ઉગ્ર બની રહી છે. અનેક વિસ્તારોમાં પીવાના પાણી અંગે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ચલા વિસ્તારમાં લાંબા સમયથી માત્ર એક જ વખત પાણી મળતું હોવાના કારણે રહે
વાપી મહાનગરપાલિકા


વાપી, 10 એપ્રિલ (હિ.સ.) : વાપી મનપા વિસ્તારમાં ઉનાળાની ગરમી સાથે પાણીની સમસ્યાઓ ફરી ઉગ્ર બની રહી છે. અનેક વિસ્તારોમાં પીવાના પાણી અંગે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ચલા વિસ્તારમાં લાંબા સમયથી માત્ર એક જ વખત પાણી મળતું હોવાના કારણે રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. ત્યારે હવે મનપા તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે.

હાલમાં કોળીવાડ ખાતે આવેલ 35.50 એમ.એલ.ડી ક્ષમતા ધરાવતા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પરથી વાપી શહેરના ગોકુલ વિહાર, નૂતનનગર, ડુંગરા નવીનગરી, દાદરીમોરા, સુલપડ તથા ચલા સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો કરવામાં આવે છે. જેમાંથી અંદાજે 5 થી 6 એમ.એલ.ડી પાણી ડુંગરા વિસ્તારમાં આપવામાં આવે છે.

આ દરમિયાન, ડુંગરા દાદરીમોરા વિસ્તારમાં 46 એમ.એલ.ડી ક્ષમતાવાળો નવો પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને દમણગંગા નદી પરથી પાણી ઉપાડવા માટે ઇન્ટેક વેલનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ 15 મે 2026 સુધી પૂર્ણ થવાની શક્યતા છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ડુંગરા આઝાદનગર, હરિયા પાર્ક, ડુંગરીફળિયા, ઈડબલ્યુએસ કોલોની અને સુલપડ જેવા વિસ્તારોને સીધું પૂરતું પાણી મળી રહેશે. જેના કારણે હાલ કોળીવાડ પ્લાન્ટ પરથી આપવામાં આવતું 5 થી 6 એમ.એલ.ડી પાણી બચતરૂપ બનશે. મનપા તંત્ર આ બચત થયેલા પાણીનો ઉપયોગ ચલા વિસ્તારમાં કરશે. જેના પરિણામે ચલા વિસ્તારમાં પાણી પુરવઠો વધુ સુગમ અને સુવ્યવસ્થિત બનશે અને રહેવાસીઓને દિવસમાં બે વખત પાણી મળવાની શક્યતા વધશે. આ યોજના અમલમાં આવ્યા બાદ ચલા વિસ્તારના લોકો માટે ઉનાળામાં મોટી રાહત સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande