IPL-2026 દરમિયાન ભુજમાં ક્રિકેટ સટ્ટાબાજીનો ભંડાફોડ: લાખો રૂપિયાની ઓનલાઈન બેટિંગ સાથે એક ઝડપાયો, બે ફરાર
કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં ચાલી રહેલી IPL-2026 ક્રિકેટ મેચો દરમિયાન સટ્ટાબાજીના ગેરકાયદેસર રેકેટ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં એક આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે, જ્યારે તેના બે સાગરિતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ કાર્યવાહી
Cricket


કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં ચાલી રહેલી IPL-2026 ક્રિકેટ મેચો દરમિયાન સટ્ટાબાજીના ગેરકાયદેસર રેકેટ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતાં એક આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે, જ્યારે તેના બે સાગરિતો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આ કાર્યવાહી બાદ શહેરમાં જુગાર પ્રવૃત્તિઓને લઈને ચકચાર મચી છે.

પોલીસ સૂત્રો મુજબ, ભુજના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPL મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટાબાજી ચાલી રહી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક રેઇડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે હિતેષ ચમનલાલ મારૂ (ઉંમર 41), રહે. હાઉસિંગ બોર્ડ, ભુજને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાના મોબાઇલ ફોનમાં ઓનલાઈન સટ્ટા માટેની ID મારફતે IPL-2026ની મેચોમાં હાર-જીતના સોદા કરી રહ્યો હતો. ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ પર રનના તફાવત અને મેચના પરિણામ પર પૈસા લગાડવામાં આવતા હતા.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી vegasbook9.com નામની ઓનલાઈન બેટિંગ સાઇટનો ઉપયોગ કરી રહ્યો હતો, જેમાં અંદાજે ₹1,94,600 જેટલું બેલેન્સ સટ્ટા માટે વપરાઈ રહ્યું હતું. ઉપરાંત, આરોપી અલગ-અલગ મોબાઇલ એપ્લિકેશનો મારફતે લાઇવ મેચ અપડેટ જોઈ ગ્રાહકો પાસેથી સોદા સ્વીકારી રહ્યો હતો.

આ કેસમાં નીખીલ નાંદા (રહે. માધાપર) અને ઉમર સોઢા (રહે. કેમ્પ વિસ્તાર, ભુજ) પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી એક સટ્ટો રમાડવામાં સહયોગી તરીકે અને બીજો સટ્ટા માટે ID પ્રદાન કરનાર તરીકે કાર્યરત હતો. હાલ બંને આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે આરોપી પાસેથી કુલ ચાર મોબાઇલ ફોન (કિંમત આશરે ₹15,500) તેમજ ઓનલાઈન એકાઉન્ટમાં રહેલું ₹1.94 લાખ જેટલું સટ્ટાનો માલમસાલો જપ્ત કર્યો છે.

આ સમગ્ર મામલે ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande