
અમરેલી, 12 એપ્રિલ (હિ.સ.) : અમરેલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં “ઉલ્લાસ વાર્ષિકોત્સવ”ની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના કલેકટર પી.બી. પંડયા સહિત જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી. ગોહિલ, જિલ્લાપ્રાથમિક શિક્ષણ અધિકારી ડી.પી. મિયાણી અને નિરંતર શિક્ષણાધિકારી જી.એમ. સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, ગીત અને નાટ્યરૂપ રજૂઆતો કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાને બિરદાવવા દરેક ભાગ લેનાર બાળકોને ઈનામો આપવામાં આવ્યા હતા તેમજ શાળાઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોશી, વાઈસ ચેરમેન દામજી ગોલ, શાસનાધિકારી આશિષ જોષી, આચાર્યો, શિક્ષકો અને ઓફિસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલીના સંદિપ વામજાની માહિતી મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અને શિક્ષણ સાથે સંસ્કારનું સંવર્ધન કરવાનો હતો.
આ ઉજવણીથી સમગ્ર શૈક્ષણિક વાતાવરણમાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai