
સુરત, 12 એપ્રિલ (હિ.સ.) : સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પીપલોદના કારગીલ ચોક ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે પ્રચાર અભિયાનની શરૂઆત કરી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના તમામ 120 ઉમેદવારોએ જનસેવા અને વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવાની શપથ લીધી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગે રંગાઈ ગયો હતો.
કાર્યક્રમ દરમિયાન “ભારત માતા કી જય”ના નારા સાથે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. તમામ ઉમેદવારો એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા અને સંકલ્પ લીધો કે તેઓ સત્તા માટે નહીં, પરંતુ નાગરિકોના હિત માટે કાર્ય કરશે. ભ્રષ્ટાચારમુક્ત શાસન અને પારદર્શિતા તેમની પ્રાથમિકતા રહેશે એવું પણ જાહેર કરાયું.
પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હજારો કાર્યકર્તાઓ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સુરતમાં પણ ભાજપ તમામ 120 બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી પાંચ વર્ષ સુધી લોકોની સેવા માટે સમર્પિત રહેશે અને શહેરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
બીજી તરફ વિરોધ પક્ષોને લઈ પણ ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે રાજકારણમાં ભાષાની મર્યાદા જાળવવી જરૂરી છે અને અંતિમ નિર્ણય તો જનતા જ કરશે. વિરોધીઓના દાવાઓને સપના સમાન ગણાવી ભાજપે પોતાની વિકાસયાત્રા અને કામગીરી પર વિશ્વાસ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે