
સુરત, 12 એપ્રિલ (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 25 વર્ષની યુવતીએ હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી કૂદી આત્મહત્યા કરી છે. શ્રીકૃષ્ણ હેરિટેજ એપાર્ટમેન્ટમાં સાંજના સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. યુવતી નીચે પટકાતા જ તેનું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ, યુવતીના પરિવાર પર છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટ છવાયેલું હતું. ઘરલોન અને કારલોનના બાકી હપ્તાઓને કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. પરિવારે આક્ષેપ કર્યો છે કે બેંકના રિકવરી એજન્ટો દ્વારા સતત દબાણ અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, જે યુવતી માટે અસહ્ય બની ગયો હતો.
પરિવારમાં માતા-પિતા, ભાઈ અને બહેન સાથે રહેતી યુવતી ઘરનાં કામોમાં સહાય કરતી હતી. આર્થિક સમસ્યાઓને કારણે પરિવાર ઘર વેચવાની ચર્ચા કરી રહ્યો હતો જેથી દેવું ચૂકવી શકાય અને યુવતીના લગ્ન પણ કરી શકાય. આ ચર્ચાએ યુવતીને ભારે માનસિક આઘાત પહોંચાડ્યો હોવાની માહિતી સામે આવી છે.
પોલીસ મુજબ, યુવતી લાગણીશીલ સ્વભાવની હોવાથી આ પરિસ્થિતિને સહન કરી શકી નહોતી અને અંતે આઘાતમાં આવી આત્મહત્યા કરી. હાલ પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે