

ગાંધીનગર, 12 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીના NSS યુનિટ દ્વારા યુનિવર્સિટીના બંને કેમ્પસ પર ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન Rotary Club of Kankaria તથા Indian Red Cross Societyના સહયોગથી કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવાયો હતો, જેમાં કુલ 268 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ માનવતા માટે યોગદાન આપવાનો ઉદ્દેશ્ય સફળતાપૂર્વક સિદ્ધ થયો છે.
કર્ણાવતી યુનિવર્સિટીના NSS યુનિટ છેલ્લા ત્રણ વર્ષથી સતત આ પ્રકારના સામાજિક સેવા કાર્યમાં સક્રિય છે. દર વર્ષે યુનિવર્સિટી દ્વારા બે થી ત્રણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સરેરાશ 800 થી વધુ યુનિટ રક્ત એકત્ર થાય છે. આ પહેલ દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીને જીવનદાન મળ્યું છે.
આ સમગ્ર કેમ્પનું સંચાલન અને આયોજન NSSના સમર્પિત વોલન્ટીયર્સ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમણે શ્રેષ્ઠ આયોજન, સમયબદ્વતા અને જવાબદારીપૂર્વક પોતાની ફરજ નિભાવી હતી. કેમ્પ દરમિયાન ડોક્ટરની ટીમ દ્વારા દાતાઓનું મેડિકલ ચેકઅપ, યોગ્ય માર્ગદર્શન તથા સુરક્ષિત રક્ત સંગ્રહ ની પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના પ્રશાસન દ્વારા NSS યુનિટના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી અને ભવિષ્યમાં પણ આવી માનવતાભર્યું કાર્યમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી. આ પ્રકારના આયોજન થી યુવાનોમાં સામાજિક જવાબદારીની ભાવના વિકસે છે અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં સહાય મળે છે.
કર્ણાવતી યુનિવર્સિટી સમાજ સેવા અને માનવ કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને NSS યુનિટ દ્વારા આયોજિત આવા કાર્યક્રમો તેનું ઉત્તમ ઉદાહરણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ