ચૂંટણીમાં તણાવ: મુન્દ્રા લોહાણા સમાજનો વોટિંગ બહિષ્કારનો એલાન, રાજકીય ગરમાવો તેજ
કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રઘુવંશી લોહાણા સમાજ દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયે સમગ્ર રાજકીય પરિસ્થિતિમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. સમાજે ટિકિટ ફાળવણીમાં થય
Lohana


કચ્છ, 12 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. રઘુવંશી લોહાણા સમાજ દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયે સમગ્ર રાજકીય પરિસ્થિતિમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે. સમાજે ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાયના આક્ષેપ સાથે આ વખતે વોટિંગનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

મુન્દ્રા ખાતે યોજાયેલી લોહાણા સમાજની ખાસ બેઠકમાં અંદાજે 70 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં લોહાણા સમાજને સામાન્ય રીતે બે સીટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે માત્ર એક જ સીટ આપવામાં આવી છે, જે સમાજ માટે અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે.

સમાજના પ્રતિનિધિઓએ આ મુદ્દે ભાજપના પ્રમુખ સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી હતી. છતાં પણ, તેઓને માત્ર આશ્વાસન મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પણ ફરી વાતચીત કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોહાણા સમાજે બેઠકમાં સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે, સમાજના હિતોની અવગણના સામે વિરોધ નોંધાવવા માટે તેઓ આ ચૂંટણીમાં સંપૂર્ણ રીતે મતદાનનો બહિષ્કાર કરશે. સમાજના સભ્યો કોઈપણ વોર્ડમાં મતદાન નહીં કરે તેવો નિશ્ચય કરવામાં આવ્યો છે.

આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. સમાજના પ્રમુખ તથા અખિલ કચ્છ મહાજનના મંત્રી કિશોર ચોથાણીનો બેઠક દરમિયાનનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.

હાલમાં આ ઘટનાએ મુન્દ્રાની ચૂંટણીને વધુ રસપ્રદ અને તણાવપૂર્ણ બનાવી દીધી છે. હવે જોવાનું રહેશે કે રાજકીય પક્ષો આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે અને લોહાણા સમાજના આ નિર્ણયનો ચૂંટણી પરિણામો પર શું અસર પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande