
નવસારી/વલસાડ , 12 એપ્રિલ (હિ.સ.) : સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા નવસારી જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભારતમાળા નેશનલ હાઈવે નં-4 પર શાહુ ગામ નજીક SMC ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો અને ચાર વાહનો કબજે કર્યા હતા.
આ કેસમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકા સાથે સીધો જોડાણ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂ સપ્લાયમાં વલસાડ જિલ્લાના ઉદવાડા અને ખડકીગામના રહેવાસીઓ સંડોવાયેલા છે.દરોડા દરમિયાન કુલ 11,810 જેટલી IMFL બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹30,75,500 છે. ઉપરાંત ચાર વાહનો (₹35,00,000) સાથે કુલ ₹65,75,500 નો મુદ્દામાલ SMC દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં કુલ 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારત રાજકુમાર (રેટલાવ, ઉદવાડા) અને અંકિત ભંડારી (ખડકીગામ, પારડી) મુખ્ય સપ્લાયર તરીકે સામે આવ્યા છે. સાથે જ વિવિધ કારના ડ્રાઈવર અને એક અજાણ્યો વ્યક્તિ (રીસીવર) પણ ફરાર છે.
આ સમગ્ર કાર્યવાહી SMCના PI સી.એચ. પનારાની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી. હાલ SMC દ્વારા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha