
જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોની હારમાળા વચ્ચે આજે અડધી રાતે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. લખતરના ભાસ્કરપરા ગામની સીમમાં બેફામ ગતિએ દોડતા એક ટ્રક ચાલકે રાજકોટથી બહુચરાજી માતાજીના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને હડફેટે લેતા એક જ પરિવારના સાત લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે માનવ અંગો હાઈવે પર વેરાયા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટના ગઢકા ગામથી મૂંધવા-ભરવાડ સમાજનો પદયાત્રા સંઘ બહુચરાજી પાસે આવેલા મેરા ગામે જઈ રહ્યો હતો. આ સંઘ જ્યારે લખતરના છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યો, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે પદયાત્રીઓને કચડી નાખ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં મસાભાઈ કરસનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઈ મુંધવા, રાણીબેન મંગાભાઈ લાંબરીયા, જાલુબેન વેલાભાઈ મુંધવા, વિજુબેન પ્રવીણભાઈ મુંધવા, વજીબેન વિભાભાઈ મુંધવા તેમજ એક ડમ્પર ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માતની તીવ્રતા એટલી હદે હતી કે રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને મૃતદેહોના અંગો છૂટા પડી ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પોલીસે અને સ્થાનિકોએ મૃતદેહોના અંગોને એકત્ર કરવા માટે કોથળાઓનો ઉપયોગ કરવો પડ્યો હતો અને ત્યારબાદ આ અવશેષોને ટ્રેક્ટરમાં ભરીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઈને મજબૂત કાળજાના માનવીઓ પણ ધ્રૂજી ઉઠ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એસપી, ડીવાયએસપી અને લખતર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ આઘાતજનક સમાચાર મળતા જ ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને મૃતકોના સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. એક જ પરિવારના સાત સભ્યોના અકાળે અવસાનથી માલધારી સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
અકસ્માતના પ્રત્યક્ષદર્શી રાજુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પોતાના પરિવાર સાથે વિરમગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા પર એક ડમ્પર ઉભું હતું, જેના ડ્રાઈવર કદાચ ટાયર બદલી રહ્યા હતા. આ સમયે સાઈડમાંથી પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા એક ટ્રક ચાલકે કોઈ પણ જાતની બ્રેક માર્યા વગર પદયાત્રીઓને હડફેટે લીધા હતા. ઘટના બાદ તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
મૃતકના પરિવારજનોએ ભારે હૈયે જણાવ્યું હતું કે, તેઓ આશરે ૭૦૦ જેટલા લોકોના સંઘ સાથે પગપાળા નીકળ્યા હતા. સવારે ૮ વાગ્યે મંદિરે ધજા ચઢાવવાનું મુહૂર્ત હોવાથી તેઓ રાત્રિ દરમિયાન પણ ચાલવાનું ચાલુ રાખ્યું હતું. કમનસીબે રાત્રે ૧:૨૦ વાગ્યાની આસપાસ કાળમુખો ટ્રક ત્રાટક્યો હતો.
પરિવારમાં ધજા ચઢાવ્યા બાદ ગઢકા ગામે સાત દિવસના શિવપુરાણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા જ આ કરુણાંતિકા સર્જાતા હર્ષનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો છે. આ અકસ્માતમાં કુલ નવ લોકોને ઈજા થઈ હતી, જેમાંથી સાત લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.
લખતરના પીઆઈ યોગેશ પટેલે આ બનાવ અંગે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે, આ અકસ્માત ૧૨મી તારીખની મોડી રાત્રે અંદાજે બે થી અઢી વાગ્યાના સુમારે થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એક ટ્રક રસ્તા પર પંક્ચર હોવાથી પાર્ક કરેલી હાલતમાં હતી. પાછળથી આવતા એક ટ્રક ચાલકે આ પાર્ક કરેલી ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પૂરતી તકેદારી ન રાખતા તેણે આગળ ચાલી રહેલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. પોલીસ હાલ આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt