
પાટણ, 16 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના રાજપુરા ગામના ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સામે અસંતોષ વ્યક્ત કરીને ગ્રામજનોએ મતદાન ન કરવાનો સંકલ્પ કર્યો છે.
સરપંચ વિષ્ણુજી ઠાકોરે જણાવ્યું હતું કે, પંચાયતી રાજ બાદ તારાનગર, સુબાપુરા અને રાજપુરા ત્રણ ગામોમાંથી હંમેશા તારાનગરના ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે છે, જેના કારણે અન્ય ગામોમાં નારાજગી વધી છે.
તેમણે આક્ષેપ કર્યો કે, પક્ષના આગેવાનો રૂપિયાની લેતીદેતી કરે છે અને યોગ્ય ઉમેદવારોને અવગણે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકારી તંત્ર સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ રાજકીય પક્ષોના વલણના વિરોધમાં આ બહિષ્કારનો નિર્ણય લેવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ