સુરતમાં કરુણ ઘટના: માતાએ બે નાની દીકરીને ઝેર આપ્યા બાદ પોતે જીવ ગુમાવ્યો
સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરના ડભોલી વિસ્તારમાં એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક તણાવના કારણે એક માતાએ પોતાની બે નાની દીકરીઓને ઝેરી દવા પીવડાવી દીધી અને બાદમાં પોતે પણ તે જ દવા પી લીધી. આ ઘટના 15 એપ્રિલે બની હતી. તાત્કાલિક
Surat


સુરત, 16 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરના ડભોલી વિસ્તારમાં એક દિલ દહોળી દેતી ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક તણાવના કારણે એક માતાએ પોતાની બે નાની દીકરીઓને ઝેરી દવા પીવડાવી દીધી અને બાદમાં પોતે પણ તે જ દવા પી લીધી. આ ઘટના 15 એપ્રિલે બની હતી. તાત્કાલિક સારવાર માટે ત્રણેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ બીજા દિવસે માતાનું મોત થયું, જ્યારે બંને દીકરીઓ હાલ સારવાર હેઠળ સ્થિર છે.

માહિતી મુજબ, પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામનો છે અને હાલ સુરતના સુમન પ્રતિક આવાસમાં રહેતો હતો. પતિ હીરાના કારખાનામાં કામ કરે છે અને પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી નાની-મોટી બાબતોને લઈને મતભેદ ચાલી રહ્યા હતા. ઘટનાના દિવસે બપોરે પરિવાર સાથે જમ્યા બાદ પતિ કામે ગયો હતો. ત્યારબાદ પત્નીએ ઘરમાં રાખેલી ઝેરી દવા પાણીમાં ભેળવી દીકરીઓને પીવડાવી અને પોતે પણ પી લીધી હતી.

આ પગલું ભર્યા પછી મહિલાએ પતિને ફોન કરીને કહ્યું કે હવે તે જીવવા માગતી નથી અને ઝેર પી લીધું છે. આ જાણ થતા જ પરિવારજનોએ તરત 108 એમ્બ્યુલન્સને બોલાવીને ત્રણેયને હોસ્પિટલમાં ખસેડ્યા. સારવાર દરમિયાન માતાનું મોત થયું, જ્યારે બંને દીકરીઓને પીઆઇસીયુમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઘરમાં વારંવાર થતી નાની બાબતોની અથડામણથી મહિલાએ આ આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. હાલ પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande