

વલસાડ, 16 એપ્રિલ (હિ.સ.) : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વલસાડ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે નાનાપોંઢા અને કપરાડા વિસ્તારમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બંને પક્ષોના અનેક સક્રિય હોદ્દેદારો અને તેમના સમર્થકોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.
નાનાપોંઢા સ્થિત સિલ્વર લીફ હોટલ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન), જિલ્લા પ્રભારી વિનયભાઈ શુક્લા તથા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને તળિયાના સ્તરે કાર્ય કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસમાંથી કાસમભાઈ અને સમીરભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. તેમજ આમ આદમી પાર્ટીમાંથી દસમાભાઈ ધનારીયા અને તૃપ્તિબેન દિનેશભાઈ ધનારીયા સહિતના સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા હતા.
વિરોધ પક્ષોના હોદ્દેદારોના ભાજપમાં પ્રવેશથી નાનાપોંઢા-કપરાડા તાલુકા તથા જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપનો દબદબો વધ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાર્યકરોના વધતા સમર્થન અને સંગઠનની મજબૂતીને કારણે આગામી ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો માર્ગ વધુ સરળ બનશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ સુરેશ પટેલ, જિલ્લા ચૂંટણી સંચાલન સમિતિના સભ્ય શૈલેષ પટેલ, નાનાપોંઢા પ્રમુખ વિપુલ ભોયા, કપરાડા પ્રમુખ અરવિંદ કોન્તે સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો, સરપંચો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha