
ભાવનગર, 13 એપ્રિલ (હિ.સ.)ભાવનગર શહેરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા સમાજહિત માટે વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ખાસ કરીને આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને માનવતા આધારિત પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મુકવામાં આવે છે. શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે ગ્રુપ દ્વારા સમયાંતરે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામા આવે છે.ગરીબ પરિવારોને અનાજ કિટ, કપડાં અને દૈનિક ઉપયોગની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.શિક્ષણ ક્ષેત્રે પણ ગ્રુપ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો, નોટબુક અને શૈક્ષણિક સાધનો પૂરા પાડવામાં આવે છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પવિત્ર પ્રેરણાથી ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા માનવસેવાનો એક અનોખો અને સ્પર્શક પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રકલ્પ અંતર્ગત ભાવનગર શહેરના જુના બંદર વિસ્તારમાં ચુનાના કારખાનામાં કામ કરતા અને આસપાસ વસવાટ કરતા આશરે 120 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવ્યા હતા.આ સેવા કાર્યમાં સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઈ શાહ અને રીકાબેન શાહ (USA)નો વિશેષ સહયોગ મળ્યો હતો.દેશમાં એવા અનેક પરિવારો છે, જે નાની અને સીમિત જગ્યામાં પોતાનું જીવન પસાર કરે છે. આ પરિવારો પાસે પોતાના કપડાં, બાળકોના પુસ્તકો, ઘરગથ્થુ સામાન કે અન્ય કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે રાખવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ઘણીવાર આવા સામાનને નુકસાન પહોંચે છે અથવા તે ગોઠવાયેલા ન હોવાથી દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. આવા પરિવારોની આ સમસ્યાને સમજીને અને તેને દૂર કરવાની શુભભાવનાથી આ કબાટ વિતરણનો પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે.અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા લાભાર્થીઓને કબાટ વિતરણ કરતી વખતે માત્ર સામગ્રી આપવાનું જ નહીં પરંતુ તેમની સાથે માનવીય જોડાણ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું.અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં મળીને આશરે 500 જેટલા પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવ્યા છે. આ કામગીરી સતત આગળ વધી રહી છે અને આવનારા સમયમાં સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં હજુ 1000 જેટલા વધુ જરૂરિયાતમંદ પરિવારોને કબાટ અર્પણ કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT