
ભાવનગર, 13 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં બિનટિકિટ અને અનિયમિત મુસાફરી પર અસરકારક રોક લગાવવા માટે નિયમિત રીતે વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવે છે. આ જ ક્રમમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ટિકિટ ચેકિંગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 ટિકિટ ચેકિંગ સ્ટાફને તા. 13 એપ્રિલ, 2026 (સોમવાર)ના રોજ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા તથા મંડળના તમામ શાખા અધિકારીઓ હાજર રહ્યા.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કર્મચારીઓની પસંદગી તેમના વ્યક્તિગત લક્ષ્ય કરતાં વધુ વસૂલ કરાયેલ દંડની રકમ અને નોંધાયેલા કેસોના આધારે નક્કી કરાયેલા માપદંડો મુજબ કરવામાં આવી હતી. આ સન્માનથી કર્મચારીઓનું મનોબળ વધ્યું છે તેમજ ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા મળી છે.
સન્માનિત થયેલા ટિકિટ ચેકિંગ સ્ટાફમાં એમ. ડી. મકવાણા (મુખ્ય વાણિજ્ય લિપિક – ગોંડલ), રાહુલ શર્મા (સી.સી.ટી.સી – વેરાવળ), શ્રી પી. આર. ત્રિપાઠી (સી.સી.ટી.સી – બોટાદ), અશોક મુરાની (વાણિજ્ય અધિક્ષક – જૂનાગઢ) અને આર. એન. ગોહિલ (ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક – ભાવનગર)નો સમાવેશ થાય છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મંડળ દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બિનટિકિટ અને અનિયમિત મુસાફરી કરનાર મુસાફરો વિરુદ્ધ વ્યાપક અને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. સતત મોનીટરીંગ અને વિશેષ ચેકિંગ અભિયાનના પરિણામે મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા 1,05,928 કેસોમાંથી ₹7.15 કરોડનું રેકોર્ડ આવક પ્રાપ્ત કરી, જે ગયા નાણાકીય વર્ષના 73,597 કેસોમાંથી પ્રાપ્ત થયેલ ₹4.81 કરોડની સરખામણીમાં 48.8 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ તમામ સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવતાં તેમના સમર્પણ અને ઉત્તમ કામગીરીની પ્રશંસા કરી. તેમણે મુસાફરોને અપીલ કરી કે તેઓ યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરે અને રેલવેના નિયમોનું પાલન કરીને સુરક્ષિત અને સન્માનપૂર્ણ મુસાફરી સુનિશ્ચિત કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ