
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) : ધારી વિસ્તારમાં રાજકીય માહોલ વચ્ચે ધારાસભ્ય જે.વી. કાકડિયા ના ધર્મપત્ની કોકિલા કાકડિયા દ્વારા આપેલા નિવેદન અંગે ઉઠેલા વિવાદ પછી તેમણે ખુલાસો કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવા દરમિયાન કરવામાં આવેલા ‘વિધર્મી’ શબ્દ પ્રયોગને લઈ ચર્ચા જગાવી હતી, જેને પગલે કોકિલા કાકડીયાએ પોતાનું નિવેદન ફેરવી તોળતા સ્પષ્ટતા આપી છે.
કોકિલા કાકડીયાએ જણાવ્યું હતું કે તેમના દ્વારા કરાયેલ ‘વિધર્મી’ શબ્દનો ઉપયોગ કોઈ પણ ધર્મ અથવા સમાજને નિશાન બનાવીને કરાયો નહોતો. તેમણે કહ્યું કે આ શબ્દનો સંદર્ભ દેશ બહારથી ગેરપ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો માટે હતો. “મેં એ રીતે કોઈ હિન્દુ-મુસ્લિમ મુદ્દો ઊભો કરવાનો પ્રયાસ કર્યો નથી. આપણા દેશમાં તમામ ધર્મના લોકો ભાઈચારાથી રહે છે,” એમ તેમણે સ્પષ્ટ કહ્યું.
આગળ તેમણે ઉમેર્યું કે, “મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. દેશ બહારથી જે આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલે છે, તે અંગે મેં વાત કરી હતી. કોઈપણ રીતે સ્થાનિક સમાજ કે ધર્મવિશે વિવાદ ઊભો કરવાનો મારો ઈરાદો નહોતો.”
કોકિલા કાકડીયાએ બંને હાથ જોડીને લોકો સમક્ષ અપીલ કરતા કહ્યું કે, “હું આ મુદ્દે સંપૂર્ણ સ્પષ્ટતા આપું છું અને આશા રાખું છું કે વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેશે.”
આ નિવેદન પછી રાજકીય અને સામાજિક સ્તરે ચાલી રહેલી ચર્ચા થોડે શાંત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો અને આગેવાનો પણ આ મુદ્દે શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai