
અમરેલી, 13 એપ્રિલ (હિ.સ.) : અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં એક અનોખો રાજકીય મુકાબલો સામે આવ્યો છે, જ્યાં એકજ પરિવારના દિયર અને ભાભી વચ્ચે જંગ જામ્યો છે. વોર્ડ નંબર 11માં ભાવેશ ચાવડા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે, જ્યારે તેમની ભાભી સંગીતાબેન ચાવડા ભાજપના ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.
એક જ પરિવારના બે સભ્યો વચ્ચેનો આ રાજકીય સંઘર્ષ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંને પક્ષોએ પોતાના ઉમેદવારોને ટિકિટ આપતા સ્થાનિક રાજકારણમાં રસપ્રદ પરિસ્થિતિ ઊભી થઈ છે. પરિવારજનો વચ્ચે મતભેદ હોવા છતાં બંને ઉમેદવારો પોતાની જીત માટે સક્રિય પ્રચારમાં લાગી ગયા છે.
સ્થાનિક સ્તરે લોકોમાં પણ આ મુકાબલા અંગે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. દિયર-ભાભી વચ્ચેની આ ટક્કર માત્ર રાજકીય જ નહીં, પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ ચર્ચાસ્પદ બની છે.
આ ચૂંટણીમાં મતદારો માટે પણ પસંદગી મુશ્કેલ બની રહી છે, કારણ કે બંને ઉમેદવારો એક જ પરિવાર સાથે સંકળાયેલા છે. હવે જોવું રહ્યું કે વોર્ડ નંબર 11ના મતદારો કોને જીત અપાવે છે અને આ અનોખી ચૂંટણી જંગમાં કોણ બાજી મારે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai