
સુરત, 13 એપ્રિલ (હિ.સ.) સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં હૈદરાબાદથી આવતી ઈન્ડિગોની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન રન-વે પર દોડતા શિયાળ સાથે અથડાઈ ગઈ હતી. વિમાન જમીન પર સ્પર્શતા જ આ અચાનક બનેલી ટક્કરથી પ્લેનમાં જોરદાર ઝાટકો અનુભવાયો હતો, જેના કારણે મુસાફરોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો. જોકે, પાયલોટની સમજદારીથી પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી ગઈ અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા.
ઘટના બાદ એરપોર્ટની ટેકનિકલ ટીમે તરત જ વિમાનનું વિગતવાર નિરીક્ષણ શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં એન્જિન કે વિમાનના માળખામાં કોઈ ગંભીર ખામી જણાઈ નહોતી, જે રાહતરૂપ બાબત માનવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી, અને વિમાનને ફરી ઓપરેશન માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યું છે.
આ બનાવે એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા છે, કારણ કે મજબૂત પેરીમીટર હોવા છતાં વન્યજીવ રન-વે સુધી કેવી રીતે પહોંચ્યો તે હજુ અસ્પષ્ટ છે. આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે વન વિભાગની મદદથી એરપોર્ટ વિસ્તારમાં પાંજરા ગોઠવીને અને સર્ચ ઓપરેશન હાથ ધરીને આવી ઘટનાઓને ફરી બનતી અટકાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે