
કચ્છ, 13 એપ્રિલ (હિ.સ.) : કચ્છના પાટનગર ભુજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય માહોલ તંગ બનતો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ દરમિયાન કેટલીક જગ્યાએ વિરોધના સ્વર પણ ઉઠતા દેખાઈ રહ્યા છે.
ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ વોર્ડ નંબર 8માં પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓ ઢોલ-નગારા સાથે ભવ્ય પ્રચાર માટે નીકળ્યા હતા. પ્રચાર યાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા અચાનક વિરોધ કરવામાં આવ્યો, જેને કારણે વાતાવરણ ગરમાયું હતું.
સ્થાનિક લોકો દ્વારા ભાજપ સામે કટાક્ષ કરતા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ખાસ કરીને વોર્ડમાં થોડા સમય પહેલા બનેલા અકસ્માતમાં બે યુવાનોના મૃત્યુ અંગે પ્રશ્નો પૂછાયા કે તે સમયે ભાજપના પ્રતિનિધિઓ ક્યાં હતા. આ પ્રકારના વેધક સવાલો સાથે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
વિરોધ વચ્ચે પણ ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના શાંતિપૂર્ણ રીતે પ્રચાર ચાલુ રાખ્યો હતો. બીજી તરફ, વોર્ડ નંબર 8ની માધવબાગ સોસાયટીમાં રહેવાસીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અહીં સોસાયટીના પ્રવેશદ્વાર પર “કોઈપણ રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં” એવા બોર્ડ લગાવી તમામ પક્ષોને દૂર રહેવા ચેતવણી આપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે ભુજમાં ચૂંટણી પૂર્વે રાજકીય તાપમાન વધી રહ્યું છે અને મતદારો હવે વિકાસ અને જવાબદારીના મુદ્દાઓ પર વધુ જાગૃત બની રહ્યા છે. આવનારા દિવસોમાં આ પ્રકારના વિરોધો ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પાડશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar