
કચ્છ, 13 એપ્રિલ (હિ.સ.) :કચ્છ જિલ્લામાં પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાનો ભેદ હવે ખુલ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજની સતર્ક કામગીરીના પગલે એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.
ઘટનાની વિગતો મુજબ, તા. 10 એપ્રિલ 2026ના રોજ રાત્રે આશરે 9:30 વાગ્યે ભુજથી પોતાના ગામ તરફ જતા એક યુવકને હાજાપર-થરાવડા રોડ પર ગઢવીભાઈની વાડી પાસે રોકવામાં આવ્યો હતો. સામેથી આવેલી એક અલ્ટો કારના ચાલકે લાઇટનો ઇશારો કરી યુવકને ઉભો રાખ્યો હતો. ત્યારબાદ કારમાં બેઠેલા ત્રણેય શખ્સો નીચે ઉતરી આવ્યા અને છરી બતાવી ધમકી આપીને યુવક પાસેથી વીવો કંપનીનો મોબાઇલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાને પગલે પધ્ધર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક આરોપીઓને ઝડપવાની સૂચના આપી હતી.
LCBની ટીમે ગુપ્ત બાતમીના આધારે તપાસ આગળ વધારી અને ભુજ-અંજાર હાઇવે પર રેલડી બસ સ્ટેશન નજીકથી અબ્રાહીમ ઉર્ફે અનવર હુસેન કટીયા (ઉંમર 19, રહેવાસી ખારી રોહર, ગાંધીધામ) ને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી અને જણાવ્યું કે, આ લૂંટમાં તેનો મોટો ભાઈ સકીલ ઉર્ફે ઉમર હુસેન કટીયા અને જાવેદ લતીફ બાફણ પણ સંડોવાયેલા છે.
આરોપીએ ખુલાસો કર્યો કે ત્રણેય જણા હાજીપીરના મેળામાં જવાના બહાને અલ્ટો કારમાં નીકળ્યા હતા અને રસ્તામાં એકલા મળેલા બાઈક સવારને નિશાન બનાવી લૂંટ ચલાવી હતી. મોબાઇલ ફોન સકીલ પાસે હોવાની માહિતી પણ સામે આવી છે.
હાલમાં ઝડપાયેલા આરોપીને પધ્ધર પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યારે બાકી બે આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં ફરાર આરોપીઓ પણ પોલીસના જાળમાં આવી જશે. આ કામગીરીમાં જોડાયેલી LCB ટીમની કામગીરીને પ્રશંસા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar