
મહેસાણા, 18 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના સદુથલા ગામમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતના ખેતર પ્લોટ પર ભૂમિ પૂજન વિધિ યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જીવામૃતનો છંટકાવ કરવામાં આવ્યો અને ઘન જીવામૃત બનાવવાની પ્રક્રિયાનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેના દ્વારા જમીનની ઊર્વરતા વધારવા અને રાસાયણિક ખાતર ઉપરની નિર્ભરતા ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે સીઆરપી કૈલાશબેન પટેલ દ્વારા, ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વિગતવાર સમજણ આપવામાં આવી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે, ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ખેડૂતોને વધુ નફાકારક આવક મળી શકે છે. ઉપરાંત, પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિ અપનાવવાથી માનવ આરોગ્ય પર પણ સકારાત્મક અસર થાય છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ શીખવવામાં આવી તેમજ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમથી સ્થાનિક ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ રસ અને જાગૃતિ જોવા મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR