
કચ્છ, 18 એપ્રિલ (હિ.સ.) : મિરઝાપર ગામના નીલકંઠ નગર વિસ્તારમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો, જ્યાં ચાર દિવસીય હનુમાન ચાલીસા ચિંતન કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. આ કથાનું માર્ગદર્શન પ્રખ્યાત વક્તા શાસ્ત્રી ભાવેશ વિજયકાન્ત જોશી દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે સરળ અને સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે રોજ સવારે શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી માનસિક, શારીરિક અને જીવનની વિવિધ મુશ્કેલીઓ દૂર થાય છે. તેમના વક્તવ્ય દરમિયાન શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા.
કથામાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીના જીવન પ્રસંગો, તેમના પરાક્રમ, ભક્તિ અને સેવાભાવનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું હતું. હનુમાનજીના આદર્શ જીવનમાંથી પ્રેરણા લઈને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ ચાર દિવસીય ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે નીલકંઠ નગર સોસાયટી વિસ્તાર સમિતિના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને અંતે ભક્તોએ પૂજા-અર્ચના સાથે આ પવિત્ર પ્રસંગને પૂર્ણ કર્યો હતો.
આવો કાર્યક્રમ માત્ર ધાર્મિક શ્રદ્ધાને જ મજબૂત બનાવતો નથી, પરંતુ સમાજમાં એકતા અને સંસ્કારના સંદેશને પણ મજબૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar