
પાટણ, 13 એપ્રિલ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચૈત્ર માસ નિમિત્તે નાયક બંધુઓ દ્વારા શ્રી ગૌરી માતાની પરંપરાગત જાતર ભક્તિપૂર્વક યોજાઈ હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં દેવી શક્તિની આરાધના સાથે ગામલોકોએ શ્રદ્ધાભાવથી ભાગ લીધો હતો.
કુણઘેર ગામેથી દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે જાતરની શરૂઆત થાય છે, જે પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં લઈ જવાય છે. રવિવારે રાત્રે ચાચર ચોકમાં ભુંગળ વગાડીને જાતરનો આરંભ થયો અને રાજા ભરથરીનું નાટક ભજવાયું. સાથે મહાકાળી માતાના ગરબા, સગડી જ્યોત અને ખપ્પર જ્યોતનું આયોજન થયું.
આ પ્રસંગે વાસુદેવ નાયક, દિલીપ નાયક, રમેશભાઈ, ભરતભાઈ, સેવંતીભાઈ અને સતિષભાઈ સહિતના કલાકારોએ સુંદર અભિનય કર્યો. ગામલોકોએ માતાજીના દર્શન કરીને યથાશક્તિ લક્ષ્મી ભેટ અર્પણ કરી અને ઉત્સવનો આનંદ માણ્યો.
બીજા દિવસે શ્રી ગૌરી માતાના મંદિરે ઘૂઘરા છોડવાની વિધિ કરવામાં આવી. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા. અંતે નાયક ભાઈઓએ ગામમાં સુખ-શાંતિ, સારા સ્વાસ્થ્ય અને એકતા માટે મંગલ કામનાઓ વ્યક્ત કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ