

અમદાવાદ, 13 એપ્રિલ (હિ.સ.) : સરકારી પોલિટેકનિક ગાંધીનગરના ડિપ્લોમા બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા Innovation, Design and Entrepreneurship (IDE) બુટકેમ્પની ત્રીજી આવૃત્તિના પ્રથમ તબક્કામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
આ બૂટકેમ્પ અમદાવાદ સ્થિત એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું.
પાંચ દિવસીય બૂટકેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ ડિઝાઇન થિંકિંગ, નવીનતા, સ્ટાર્ટઅપ આઈડિયા ડેવલપમેન્ટ, બિઝનેસ મોડલ તથા પ્રેઝન્ટેશન સ્કિલ્સ જેવી વિવિધ ક્ષમતાઓમાં તાલીમ મેળવી હતી. આ ઉપરાંત તેમણે i-Hub ગુજરાતની મુલાકાત લઈને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે પ્રાથમિક સમજ તથા સાબરમતી આશ્રમની મુલાકાત દ્વારા નેતૃત્વ, સાદગી અને આત્મનિર્ભરતા જેવા મૂલ્યોનો સંદેશ મેળવ્યો હતો.
આ દરમિયાન “Idea Pitching” સત્રમાં ટીમે ઉત્તમ પ્રદર્શન કરી “Best Idea Pitching Award” પ્રાપ્ત કર્યો હતો. આ પુરસ્કાર i-Hub ના CEO, EDII ના ડિરેક્ટર તથા રોજગાર અને તાલીમ નિયામકશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની ટીમમાં વત્સલ ભટ્ટ, શ્લોક કલાર્થિ, આસ્થા કોઠિયા અને ઋદ્ધમ લાલકિયાએ પ્રોફેસર મૈત્રી દવે તથા પ્રોફેસર પૂનમ લખાણીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સિદ્ધિથી વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વધુ વિકાસ થયો છે. સંસ્થાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ