
વાપી, 13 એપ્રિલ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ NDPSના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને સેલવાસમાંથી ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનથી જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધની લડતમાં મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.
માહિતી અનુસાર, ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાક્રમાંક નં. ૧૧૨૦૦૦૫૧૨૬૦૨૨૪/૨૦૨૬ અંતર્ગત NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(II)(એ) અને ૨૯ મુજબ વોન્ટેડ આરોપી સુરજ ઉર્ફે સુર્યા (ઉંમર ૨૭), રહે. પ્રતાપગઢ (ઉત્તરપ્રદેશ) ને એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમીના આધારે સેલવાસ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ કામગીરી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. એલ.સી.બી.ના પો.ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના નેતૃત્વમાં ટીમે ઝડપી એક્શન લઈને આરોપીને કાયદાની ઝપેટમાં લીધો હતો.
પકડાયેલ આરોપીને વધુ તપાસ માટે ડુંગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને તેની પાસેથી ડ્રગ નેટવર્ક અંગે વધુ મહત્વની વિગતો બહાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha