
પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : પોરબંદરના શ્રીકૃષ્ણ-સુદામાભક્ત સેવા મંડળ દ્વારા પોરબંદર ની સુદામા નગરીથી દ્વારિકા સુધીની પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અખાત્રીજના પવિત્ર દિવસે સવારે પ્રસ્થાન થશે. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા ની અતૂટ મૈત્રીના આધ્યાત્મિક સંદેશ સાથે કળિયુગમાંહરિ સ્મરણ તારણ ઉપાયના ભાવ સાથે જનજાગૃતિના ઉમદા હેતુસર પોરબંદરથી દ્વારકાની પદયાત્રાનો વિચાર આપનાર ખીમભાઈ બાપોદરાની પ્રેરણા થકી પોરબંદર સુદામા ભક્ત સેવા મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આગામી 19-4-26 રવિવારને અખાત્રીજના શુભદિને સવારે સુદામા મંદિર ખાતેથી પોરબંદરથી દ્વારકાની છઠ્ઠી પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 19-4-26 ને રવિવારના રોજ અખાત્રીજના શુભદિને સંતો, મહંતો તથા મહાનુભાવો પદયાત્રાનો શુભારંભ કરાવશે. આ પદયાત્રા દરમિયાન અલગ અલગ સ્થળે ખ્યાત નામ મંડળી તથા કલાકારો દ્વારા શ્રીરામ ધૂન, હરિ કીર્તન, રાસ મંડળી રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 19-4-26 થી 22-4-26 દરમિયાન ચાર દિવસે પદ યાત્રાના કાર્યક્રમમાં પ્રથમ દિવસે કુછડી ભરતભાઈ રાજાભાઈ કુછડીયાની વાડીએ બપોરનું ભોજન અને રાત્રી રોકાણ વિસાવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ, બીજા દિવસે તા 20-4-26 સોમવાર આવળ માતાજી મંદિર પાંચ ડેરા ખાતે બપોરનો પ્રસાદ અને આહીર સમાજની વાડી -3 લાંબા રાત્રી રોકાણ, ત્રીજા દિવસે તા 21-4-26 મંગળવારના આહીર સમાજની ભોગાત બપોરની પ્રસાદી અને કુરગા દુલાભાઈ ગઢવીની વાડી ખાતે રાત્રી રોકાણ તેમજ ચોથા દિવસે તા 22-4-26 બુધવાર આવળ મંદિર બપોરનો પ્રસાદ અને દ્વારકા રાત્રી રોકાણ બાદ તા 23-4-26 ગુરુવારના રોજ ભજન કીર્તન સાથે દ્વારકાધીશના દર્શન સાથે આ છઠી પદ યાત્રાની પુર્ણાહુતી થશે. આ પદ યાત્રામાં જોડાનાર પદયાત્રીઓએ જરૂરી વસ્તુઓ કપડાં તથા પોતાની લગતી દવાઓ સાથે લાવવાની રહેશે, પદયાત્રીકે રાત્રીના ઓઢવા માટેની એક સાલ અથવા ચાદર સાથે લાવવાની રહેશે, પદયાત્રીકોએ સંઘમાં બધા પદયાત્રીઓ સાથે હળી મળી રહેવાનું રહેશે, પદયાત્રિકે પ્રસાદી લેવા માટે શાંતિથી કતારમાં બેસવાનું અને પ્રસાદી લીધા બાદ પોતાની થાળી વાટકા જાતે સફાઈ અને સૂચના મુજબ રાખી આપવાના રહેશે, પદયાત્રા દરમિયાન કોઈ પદયાત્રીને કોઈ તકલીફ થાય તો તરત જ કાર્યકર્તાને જાણ કરવાની રહેશે, પદયાત્રિકોએ કાર્યકર્તાઓની વખતો વખતની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે, પદયાત્રિકે રસ્તામાં ચાલી ન શકે તો તેમને આગળની જગ્યાએ વાહનમાં જઈ અને ત્યાં પોતાની સેવા આપવાની રહેશે, પદયાત્રીકોએ એક બીજાને સાથ સહકાર આપવાનો અને એક બીજાની મદદરૂપ થઈ અને બધાની સાથે ચાલવાનું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya