
જામનગર, 13 એપ્રિલ (હિ.સ.) : જામનગર ખીજડિયા બાયપાસ ચોકડીથી ઠેબા ચોકડી તરફ જવાના રસ્તે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગૌશાળા નજીક ચાલીને રસ્તો ઓળંગી રહેલાં 40 વર્ષિય યુવાનને કાળમુખા ટ્રકે હડફેટે લેતાં ગંભીર ઇજાને પગલે રાહદારી યુવાનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક પોતાનો ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો. બનાવની જાણના આધારે પોલીસ કાફલોના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મોત અંગેની નોંધ કરી ફરારી ટ્રકચાલકને ઝડપી લેવા તપાસ તેજ બનાવી છે.
જામનગર શહેરમાં ગોકુલનગર શેરી નં.1 માં રહેતાં શાન્તાબેન પ્રવિણભાઇ ગોહિલ નામની મહિલાએ જીજે-03-બીડબલ્યુ-2891 નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર ગત્ તા.10-4-2026 ના રોજ બપોરના ત્રણેયક વાગ્યાના અરસામાં ફરિયાદી શાત્નાબેનના ભાઇ ભીખુભાઇ નરશીભાઇ ભોજાણી (ઉ.વ.40) નામનો યુવાન ખીજડિયા બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે આવેલ ગૌશાળા નજીક રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં. દરમિયાન જીજે-03-બીડબલ્યુ-2891 નંબરના ટ્રક ચાલકે પોતાનો ટ્રક વાયુવેગે ચલાવી રસ્તો ક્રોસ કરી રહેલાં ભીખુભાઇને હડફેટે લીધા હતાં.
અકસ્માત સર્જાતા ભીખુભાઇને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક પોતાનો ટ્રક રેઢો મુકી નાશી ગયો હતો.
અકસ્માતના આ બનાવ અંગે શાન્તાબેને પોલીસને જાણ કરતાં પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી કરાવી અકસ્માત સર્જનાર જીજે-03-બીડબલ્યુ-2891 ના ચાલક સામે બીએનએસની કલમ 281, 106(1) તથા એમ.વી.એક્ટની કલમ 177, 184 મુજબ ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt