સુરતના મિલેનિયમ માર્કેટ-2માં આગની ઘટના, વેપારીઓમાં ભયનો માહોલ
સુરત, 14 એપ્રિલ (હિ.સ.): સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા જાણીતા ટેક્સટાઇલ હબ મિલેનિયમ માર્કેટ-2માં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના વિશે જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળ
સુરત


સુરત, 14 એપ્રિલ (હિ.સ.): સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા જાણીતા ટેક્સટાઇલ હબ મિલેનિયમ માર્કેટ-2માં આજે સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના વિશે જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સામે આવ્યું નથી.

પ્રાથમિક માહિતી મુજબ, માર્કેટના છઠ્ઠા માળે આવેલી દુકાન નંબર 645માં આગ લાગી હતી. કાપડનો વિશાળ જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને ધુમાડો આખી બિલ્ડિંગમાં છવાઈ ગયો હતો. આથી વેપારીઓ અને કામદારોમાં ભયનો માહોલ સર્જાયો અને લોકો સુરક્ષિત જગ્યાએ ભાગ્યા હતા.

ઘટનાની ગંભીરતા જોતા કંટ્રોલ રૂમ દ્વારા અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી અંદાજે 15 જેટલી ગાડીઓ મોકલવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ છઠ્ઠા માળ સુધી પહોંચી આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવી હતી. લાંબા સમય સુધી પાણીનો મારો ચલાવી અંતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આ ઘટનામાં મોટી માત્રામાં કાપડને નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતી વખતે દુકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. હાલ ફાયર વિભાગ કુલિંગની કામગીરી કરી રહ્યો છે અને આગનું કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande