સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકારના નક્કર પ્રયાસો: રાષ્ટ્રપતિ
- ડિજિટલ યુગમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી છે - સુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ કે પરંપરાગત હથિયારો પૂરતી સીમિત નથી, પરંતુ સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા અને કૂટનીતિ એ પરંપરાગત શક્તિ જેટલા જ મહત્વપૂર્ણ - ર
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહ


રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહ


રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહ


રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહ


- ડિજિટલ યુગમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી છે

- સુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ કે પરંપરાગત હથિયારો પૂરતી સીમિત નથી, પરંતુ સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા અને કૂટનીતિ એ પરંપરાગત શક્તિ જેટલા જ મહત્વપૂર્ણ

- રાષ્ટ્રની સુરક્ષા માત્ર સૈન્ય શક્તિ કે ટેકનોલોજી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રનું મનોબળ અને જનમાનસની જાગૃતિ સૌથી મહત્વના: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ

ગાંધીનગર,14 એપ્રિલ (હિ.સ.) રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે આજે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ગરિમામય અધ્યક્ષસ્થાને પાંચમો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો હતો.આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહ એ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માટે ગૌરવની ક્ષણ હોય છે, કારણ કે તે રાષ્ટ્રહિત માટે શિક્ષિત, તાલીમબદ્ધ અને સમર્પિત યુવા પેઢી સમાજને અર્પણ કરે છે. પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે ઉમેર્યું હતું કે, આ યુવા શક્તિ જ દેશના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. આ પ્રસંગે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી વિશેષ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિએ બદલાતા સમયના સુરક્ષા પડકારો અંગે વાત કરતા ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સમયમાં ડિજિટલ યુગના આગમન સાથે સાયબર ક્રાઈમ, ફિશિંગ એટેક અને ડેટા સુરક્ષા જેવા નવા જોખમો દેશ સામે મોટા ખતરા તરીકે ઉભરી આવ્યા છે. અગાઉ આ શબ્દો માત્ર પરિચય પૂરતા મર્યાદિત હતા, પરંતુ આજે તે વાસ્તવિક પડકાર છે. આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી સંસ્થાઓનું મહત્વ અને જવાબદારી અનેકગણી વધી જાય છે, કારણ કે દેશની સુરક્ષાનું સુચારુ સંચાલન હવે આધુનિક તકનીકી કૌશલ્ય પર નિર્ભર છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે દેશને આજે એવા કુશળ પોલીસ અધિકારીઓની જરૂર છે જે સાયબર ગુનેગારોને પકડવા અને તેમને સજા અપાવવા માટે તકનીકી રીતે સક્ષમ અને સશક્ત હોય. આ સાથે જ ન્યાયિક પ્રક્રિયાને મજબૂત કરવા માટે એવા ફોરેન્સિક નિષ્ણાતોની પણ અનિવાર્યતા છે જેઓ ન્યાયાલયની કસોટી પર ખરા ઉતરે તેવા પુરાવાઓ રજૂ કરી શકે. તેમણે ઉમેર્યું કે હવે સુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ કે પરંપરાગત હથિયારો પૂરતી સીમિત નથી, પરંતુ સાયબર સુરક્ષા, ડેટા સુરક્ષા અને કૂટનીતિ એ પરંપરાગત શક્તિ જેટલા જ મહત્વપૂર્ણ બની ગયા છે.

રાષ્ટ્રની સુરક્ષા અને આત્મનિર્ભરતા અંગે વાત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર નક્કર પ્રયાસો કરી રહી છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ડીપ ટેક સંબંધિત નીતિઓમાં ઉદ્યોગો સાથે જે જોડાણ કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. તેમણે સૂચન કર્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં બદલાતા પ્રવાહોને ધ્યાને રાખીને યુનિવર્સિટીએ પોતાની રણનીતિ સતત અપડેટ કરવી જોઈએ, જેથી દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સુરક્ષિત પરિવેશ મળી રહે.ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ભૂમિકા પર પ્રકાશ પાડતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ મિશન અને એઆઈ ગવર્નન્સના માધ્યમથી ભારત વિશ્વ પટલ પર એક મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. 2026 સુધીમાં ભારત આ ક્ષેત્રમાં વધુ સશક્ત બનીને ઉભરશે, જે દેશની સુરક્ષા અને આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. સાયબર સુરક્ષા એ હવે માત્ર સુરક્ષાનો વિષય નથી પરંતુ તે ડિજિટલ વિશ્વાસનું પણ અભિન્ન અંગ છે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સુરક્ષા દળોની કામગીરીની સરાહના કરતા જણાવ્યું કે, તાજેતરમાં નક્સલવાદ વિરુદ્ધ સુરક્ષા દળોએ નિર્ણાયક વિજય મેળવ્યો છે. દેશના જે વિસ્તારોમાં અગાઉ ભયનું વાતાવરણ હતું, ત્યાં આજે શાંતિ અને સુરક્ષા સ્થાપિત થઈ છે. અગાઉ જ્યાં નકસલવાદનો લાલ ઝંડો લહેરાતો હતો ત્યાં આજે દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. આ સફળતા માટે તેમણે તમામ રાજ્ય પોલીસ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર

પોલીસ બળોની વિશેષ પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિશ્રીએ ઉમેર્યું કે સુરક્ષિત વાતાવરણમાં જ વ્યવસાય અને આર્થિક સમૃદ્ધિ ફૂલેફાલે છે, તેથી સુરક્ષાકર્મીઓનું યોગદાન દેશના વિકાસ સાથે સીધું જોડાયેલું છે.

શૈક્ષણિક અને ખેલકૂદ ક્ષેત્રે યુનિવર્સિટીની સિદ્ધિઓને બિરદાવતા રાષ્ટ્રપતિએ નોંધ્યું કે આ યુનિવર્સિટી રમતગમત અને શારીરિક શિક્ષણના ક્ષેત્રમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્પર્ધાઓ અને કુસ્તી જેવા ખેલમાં પદકો જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. તેમણે તમામ વિજેતાઓને અભિનંદન આપતા રમતગમત ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ યુવા શક્તિને દેશભક્તિના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં જોડાવા આહ્વાન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે રક્ષા યુનિવર્સિટીનું સ્વપ્ન સેવ્યું હતું, તે આજે સાકાર થઈ રાષ્ટ્ર નિર્માણમાં પાયાનું યોગદાન આપી રહ્યું છે. પ્રધાનમંત્રીના મજબૂત નેતૃત્વ અને વિઝનને કારણે જ દેશમાં નક્સલવાદ જેવી સમસ્યાઓ નિર્મૂળ થઈ રહી છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બની છે.

રાજ્યપાલએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણયનો ઉલ્લેખ કરી સરકારની મજબૂત ઈચ્છાશક્તિની પ્રશંસા કરી હતી. તેમણે પૌરાણિક ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલી વિધ્વંસક શક્તિઓનો સામનો કરવા પ્રેરણા આપી હતી. શ્રી અજીત ડોવાલની ઉપસ્થિતિમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશનું યુવાધન સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અને આંતરિક તથા બાહ્ય સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે સજ્જ છે.

અંતમાં, તેમણે પદવીધારકોને અભિનંદન આપતા જણાવ્યું કે રાષ્ટ્રના વિકાસ માટે સમર્પણ અને તપસ્યા અનિવાર્ય છે. પ્રધાનમંત્રી જે રીતે અવિરત કાર્ય કરી રહ્યા છે, તેને અનુસરીને જો યુવાનો સુરક્ષા મિશનમાં સહભાગી બનશે તો ભારતની સુરક્ષા વધુ લોખંડી બનશે. યુવાનો પોતાની કર્તવ્યનિષ્ઠા દ્વારા દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપે તેવી શીખ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમાં દિક્ષાંત સમારોહમાં પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓ-અધિકારીઓને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે દેશ માટે સમર્પિત રહેવાની પ્રેરણા આપી હતી. તેમણે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ તેમની વંદન કરતા કહ્યું કે, ડો. આંબેડકરે આપેલું સંવિધાન સમાનતા, ન્યાય અને સ્વતંત્રતાના મૂલ્યો પર આધારિત છે. બંધારણના આ હાર્દને મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવનાર સૌ માટે અત્યંત પ્રાસંગિક ગણાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિક્ષણને વ્યક્તિગત ઉન્નતિ કે વિકાસનું નહીં પણ સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો પ્રભાવી આધાર માને છે તેની વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

તેમણે ઉમેર્યું કે, 2010માં નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં સ્થપાયેલી રક્ષા યુનિવર્સિટી તેમની જ વિઝનરી લીડરશીપમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે રાષ્ટ્રીય ફલક પર કાર્યરત થઈ છે. મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલજીને રાષ્ટ્રપતિ દ્વારા આ દિક્ષાંત સમારોહમાં અપાયેલી માનદ ડોક્ટરેટની પદવીને સમગ્ર સુરક્ષા તંત્રના ગૌરવરૂપ ગણાવી હતી.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમાં પદવીદાન સમારોહમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને રાષ્ટ્રપતિના હસ્તે માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.

માનદ ડોક્ટરેટની પદવી સ્વીકારતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનું પરિણામ છે. વર્ષ 2008 માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ સંસ્થાની જે કલ્પના કરી હતી, તે આજે વાસ્તવિકતા બનીને દેશની સુરક્ષામાં અભૂતપૂર્વ યોગદાન આપી રહી છે.

રાષ્ટ્રીય સુરક્ષાને એક જટિલ વિષય ગણાવતા તેમણે ઉમેર્યું કે, સુરક્ષા માત્ર સૈન્ય શક્તિ કે ટેકનોલોજી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં રાષ્ટ્રનું મનોબળ અને જનમાનસની જાગૃતિ સૌથી મહત્વનો ભાગ ભજવે છે.

ડોવાલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા એ માત્ર સેના કે પોલીસની જવાબદારી નથી, પરંતુ તે સમગ્ર દેશનું સામૂહિક દાયિત્વ છે. સુરક્ષાના ક્ષેત્રમાં કામ કરનારા લોકો પાસે અદ્યતન જ્ઞાન સંપદા, અતૂટ ચારિત્ર્ય અને પરિણામલક્ષી દ્રષ્ટિકોણ હોવો અનિવાર્ય છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સુરક્ષા એ એક એવું ક્ષેત્ર છે જ્યાં સિલ્વર મેડલ જેવું કંઈ હોતું નથી; અહીં કાં તો વિજય મળે છે અથવા પરાજય. જો તમે જીતો છો તો રાષ્ટ્ર સુરક્ષિત રહે છે અને જો હારો છો તો અસ્તિત્વ પર જોખમ ઊભું થાય છે. અંતમાં તેમણે યુવા દિક્ષાર્થીઓને આધુનિક પડકારોનો સામનો કરવા માટે સતત સજ્જ રહેવા અને રાષ્ટ્ર સેવાના મિશનમાં સંપૂર્ણ ક્ષમતા સાથે જોડાવા આહવાન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ ચક્ર અને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જેવા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત અજીત ડોવાલ ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબો સમય સેવા આપનારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના માર્ગદર્શન હેઠળ ભારતની સુરક્ષા નીતિઓ વધુ સજ્જ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande