
સુરત, 14 એપ્રિલ (હિ.સ.): સુરતના પાલ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક જીમ ટ્રેનરે પરિણીત મહિલાને નજીક આવી વિશ્વાસમાં લઈને પછી બ્લેકમેલિંગ શરૂ કરી હતી. આરોપી શબ્બીર અસગરભાઈ ટૂંકવાલાએ, મહિલા સાથે સંબંધો બાંધ્યા બાદ તેના અંગત ફોટા અને વીડિયોનો દુરુપયોગ કરીને પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની માહિતી મુજબ, મહિલા થોડા વર્ષો પહેલા સિટીલાઈટ વિસ્તારમાં આવેલા એક જીમમાં જતી હતી, જ્યાં આરોપી ટ્રેનર તરીકે કામ કરતો હતો. ટ્રેનિંગના બહાને ઓળખાણ વધારી તેણે મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. આ કારણે મહિલાના પરિવાર જીવનમાં તણાવ ઊભો થયો હતો અને પતિએ આ મામલો સમાધાન માટે આરોપીનો સંપર્ક કર્યો હતો.
પરંતુ મામલો શાંત થવા બદલે વધુ ગંભીર બન્યો હતો. આરોપીએ મહિલાના પતિને ધમકી આપી હતી કે, જો 5 લાખ રૂપિયા નહીં આપે તો તે અંગત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. થોડા સમય પહેલા તેણે પતિને અટકાવીને બાઈકના તૂટેલા કાચનો ડર બતાવી 50 હજાર રૂપિયા પણ લૂંટી લીધા હતા અને પછીથી સતત વધુ રકમ માટે દબાણ કરતો રહ્યો હતો.
આખરે પીડિત પતિએ, હિંમત કરીને પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત SOGએ ઝડપી કાર્યવાહી કરીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડી પાડ્યો હતો. હાલ તેની સામે ગંભીર ગુનો નોંધાયો છે અને આગળની તપાસ ચાલી રહી છે, જ્યારે પોલીસ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા પણ સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે