
નવસારી, 14 એપ્રિલ (હિ.સ.): રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ફરાર આરોપીઓને ઝડપવા માટે વિવિધ જિલ્લાઓમાં સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પણ આવી જ કામગીરી દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલો આરોપી વિજય ઉર્ફે છોટીયા મહેશભાઈ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે એરૂ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી તેને ઝડપી લેવાયો.
આ કાર્યવાહી દરમિયાન પીઆઇ વી.જે. જાડેજાની આગેવાનીમાં ટીમે સુચિત આયોજન કરીને ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તેને કબ્જામાં લઈ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે