

મહેસાણા, 14 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના બોદલા ગામના ખેડૂત જીગર અમૃતભાઈ પટેલ નોકરીની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરીને એક સફળ મોડલ ઉભું કરી રહ્યા છે. વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીને તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આત્મા સંસ્થામાં કાર્યરત જીગરભાઈ નોકરી બાદ પોતાના 5.30 વીઘા ખેતરમાં વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે.
તેમના ખેતરમાં ચીકુ, આંબા, પપૈયા, સરગવો, મોસંબી જેવા ફળવાળા પાકો ઉપરાંત કઠોળ, ધાન્ય પાકો અને લેમન ગ્રાસનું પણ વાવેતર થાય છે. મિક્સ ક્રોપિંગ મોડલ અપનાવી તેમણે માત્ર પા વીઘા જમીનમાં ચોમાસા અને શિયાળાની સીઝનમાં 80,000 થી 90,000 સુધીની આવક મેળવી છે, જ્યારે કુલ આવક ₹1,80,000 થી ₹2,00,000 સુધી પહોંચી છે.
તે ઉપરાંત તેઓ અગ્નિઅસ્ત્ર, જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ જેવા પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ પણ કરે છે. પોતાની એગ્રો દુકાન હોવા છતાં તેઓ ખેતરમાં કોઈ રસાયણોનો ઉપયોગ કરતા નથી. તેમના ઉત્પાદનોનું વેચાણ ખેતર પરથી જ થઈ જાય છે.
પરિવારના સહકારથી કરવામાં આવતી આ ખેતી અને નોકરીનું સંતુલન જીગરભાઈને સફળતા સુધી લઈ ગયું છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR